અમદાવાદ, તા.૨૮
અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ માસથી સમયાંતરે સતત વરસી રહેલા વરસાદની વચ્ચે મચ્છરજન્ય રોગ મેલેરીયા,ઝેરી મેલેરીયા તેમજ ડેન્ગ્યુના માત્ર ૨૬ દિવસમાં જ ૧,૮૦૦ ઉપરાંત કેસ નોંધાવા પામતા અમદાવાદ શહેરમા રોગચાળાની પરિસ્થિતિ ગંભીર બનતી જોવા મળી રહી છે. આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરમાં જ્યા જુલાઈ માસમાં પડેલા ભારે વરસાદની સાથે શહેરમાં ઓગસ્ટ માસની શરૂઆતથી જ જયાં એક તરફ સ્વાઈનફલૂના રોગે માઝા મુકી છે ત્યાં બીજી તરફ શહેરમાં સતત વરસાદના પરીણામે ઠેર-ઠેર ભરાઈ રહેતા વરસાદી પાણીના કારણે મચ્છરજન્ય રોગચાળાની પરિસ્થિતિ પણ વકરવા પામી છે.અમદાવાદ શહેરમાં આ માસની શરૂઆતથી ૨૬ દિવસમાં મચ્છરજન્ય એવા મેલેરીયા,ઝેરી મેલેરીયા અને ડેન્ગ્યુના મળીને ૧,૮૦૦ ઉપરાંત કેસ નોંધાવા પામ્યા છે.આ માસની શરૂઆતથી ૨૬ ઓગસ્ટ સુધીમાં શહેરમાં મેલેરીયાના કુલ મળીને ૧૫૭૮ જેટલા કેસ માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમા નોંધાવા પામ્યા છે આ ઉપરાંત પણ શહેરના વિવિધ વિસ્તારોમા આવેલા ખાનગી પ્રેકટિસનરોના દવાખાનાઓ અને હોસ્પિટલો તાવ, શરદી ,ખાંસી સહીતના અન્ય રોગના દર્દીઓથી ઉભરાયેલી જોવા મળી રહી છે.શહેરમાં મેલેરીયાની સાથે જ ઝેરી મેલેરીયાના પણ આ માસમા અત્યાર સુધીમા ૨૪૨ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે જ એડીસ ઈજીપ્તી મચ્છરના કારણે ફેલાતા એવા ડેન્ગ્યુના પણ ૨૬ દિવસમાં ૯૭ જેટલા કેસ નોંધાતા મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ પણ હવે ગંભીરરૂપ ધારણ કરતી જઈ રહી છે. ચીકનગુનીયાના ચાર કેસ પણ નોંધાઈ ગયા છે આ ઉપરાંત અમદાવાદમાં પ્રદૂષિત પાણીના કારણે વિવિધ વિસ્તારોમાં આ માસના ૨૬ દિવસોની અંદર ઝાડા ઉલ્ટીના કુલ મળીને ૭૭૯ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ ઉપરાંત ટાઈફોઈડના પણ આ માસમા અત્યાર સુધીમા ૨૦૯ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં કમળાના અત્યાર સુધીમા ૧૮૫ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આમ જ્યાં એક તરફ મ્યુનિસિપલ તંત્ર રોજ બરોજ આટલા ટન કચરાનો નિકાલ કર્યો એવા મોટા આંકડા જાહેર કરી રહ્યુ છે પરંતુ હકીકત એ છે કે, શહેરમાં ઠેર-ઠેર ગંદકી અને કચરાના ઢગલાના કારણે મચ્છરજન્ય ઉપરાંત પાણીજન્ય રોગના કેસોની સંખ્યા સતત ચિંતાજનક રીતે વધતી જોવા મળી રહી છે જે તંત્રની નિષ્ફળતા છતી કરી રહી છે.