અમદાવાદ, તા.૧૦
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરો આજે રાજયપાલને મળ્યા હતા જ્યાં તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધારી પક્ષ તથા વહીવટીતંત્ર દ્વારા ત્રણ વર્ષમાં રોડના કામમા આચરવામા આવેલા રૂપિયા ૪૫૦ કરોડના ભ્રષ્ટાચાર અને કૌભાંડ આચરવા મામલે આવેદનપત્ર આપી રાજયના તકેદારી આયોગને આ મામલે તપાસ સોંપવાની રજુઆત કરી હતી.આ અંગે મળતી માહિતી અનુસાર,મ્યુનિસિપલ વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરો આજે નેતાની આગેવાનીમાં રાજયપાલ ઓ પી કોહલીનો સમય લઈ મળ્યા હતા જ્યાં તેમણે આવેદનપત્ર આપીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરોડો રૂપિયાના ટેન્ડરો બનાવીને ભારે ગેરરીતી આચરવામા આવી રહી હોવાની રજુઆત કરી હતી. અમદાવાદ શહેરમાં શાસકો દ્વારા ખાસ કરીને રોડ,સ્ટ્રોમ વોટર, સહિતના કામોમા તેમજ રીવરફ્રન્ટ, બીઆરટીએસ, હાઉસીંગ પ્રોજેકટ વગેરેમાં મળતીયા કોન્ટ્રાકટરો અને તંત્રના અધિકારીઓ મીલીભગતથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાની પણ રજુઆત કરી હતી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા ૧૦૦૦ કરોડથી વધુના રોડ રીસરફેસના કામો કરાવવામા આવ્યા છે જે પૈકી વર્ષ-૨૦૧૬-૧૭મા રૂપિયા ૫૦૦ કરોડનો ખર્ચ કરવામા આવ્યો છે જે પૈકી ૨૦૦ કિલોમીટરના રોડ ધોવાયા બાદ તુટી જવા પામ્યા છે.આ સિવાય બે વર્ષમાં રૂપિયા ૧૨૫ કરોડના પેચવર્કના કામો કરાવવામા આવ્યા છે.મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા ૪૫૦ કરોડના કૌભાંડો અને ભ્રષ્ટાચાર થવા પામેલ છે.આ અંગે અમે વારંવાર શ્વેતપત્ર બહાર પાડવાની માગણી પણ કરી છે છતા બહાર પાડવામા આવ્યુ નથી.રોડ મામલે માત્ર ત્રણ કોન્ટ્રાકટરોને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરીને આખા કૌભાંડ મામલે ભીનુ સંકેલવાની પેરવી કરવામા આવી રહી છે.આ કૌભાંડમા સંડોવાયેલા અધિકારીઓ સામે આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામા આવી નથી આ પરિસ્થિતિમાં રાજયના તકેદારી આયોગ પાસે તપાસ કરાવવામા આવે.