અમદાવાદ, તા.૧૭
અમદાવાદ શહેરના પાંચ અલગ અલગ સ્થળોએ સ્કાયવોક સિસ્ટમથી પાંચ ઓવરબ્રીજ બનાવવાની દરખાસ્ત આજથી સાત વર્ષ પહેલા રજુ કરવામાં આવી હતી.જેમાં રાહદારીઓ માટે એકસલેટરની પણ સુવિધા રાખવામાં આવી હતી.પરંતુ આ બ્રીજ ઉપર મુકવામાં આવનારી જાહેરાતોની આવક પ્રશ્ને મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોન્ટ્રાકટર વચ્ચે મડાગાંઠ સર્જાતા અંતે આ આખીય યોજનાને તંત્ર દ્વારા અભરાઈ ઉપર ચઢાવી દેવામાં આવી છે.આ અંગેની વિગત એવી છે કે,વર્ષ-૨૦૧૦માં શહેરમાં વધતા જતા ટ્રાફિકની સમસ્યાને નિયંત્રિત કરવા માટે શહેરના કાલુપુર રેલવે સ્ટેશન સહિત અન્ય વિસ્તારોમાં સ્કાયવોક સિસ્ટમથી ઓવરબ્રીજ બનાવવા માટે દરખાસ્ત પસાર કરવામાં આવી હતી.શહેરના સ્ટારબજાર ક્રોસ રોડ,જોધપુર,સહજાનંદ ક્રોસ રોડ,મણીનગર રેલવે સ્ટેશન,શિવરંજની ક્રોસ રોડ અને નારોલ વિસ્તારમાં પણ આ પધ્ધતિથી બ્રીજ બનાવવા માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું હતું.૧૮ માર્ચથી-૨૦૧૦થી ૧૪ સપ્ટેંબર-૨૦૧૦ સુધી આ ટેન્ડર બાબતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઓફર કરનારા કોન્ટ્રાકટર વચ્ચે બ્રીજ પર મુકવામા આવનારી જાહેરાતોની આવકને લઈ લાંબો વિવાદ ચાલતા અંતે આ યોજના ઉપર પુર્ણ વિરામ મુકી દેવામાં આવ્યું હતું.આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેકટના ઈજનેર હીતેશ કોન્ટ્રાકટરની મળેલી પ્રતિક્રિયા અનુસાર,આ આયોજન ફરીથી તંત્ર દ્વારા હાથ ધરી શકાય એમ છે.બીજી તરફ મ્યુનિ.તંત્ર તરફથી કરવામાં આવતી જાહેરાતો કેટલી હદે પોકળ પુરવાર થતી હોય છે.તેનો વધુ એક નમુનો એ છે કે,મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટમાં ગત વર્ષે શહેરમાં બીઆરટીએસના બસસ્ટોપમાં કોફી હાઉસ બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં શહેરના મણીનગર,શિવરંજની ખાતે કોફી હાઉસ બનાવવાની જાહેરાત હજુ સુધી માત્ર કાગળ ઉપર જ રહેવા પામી છે.આ ઉપરાંત શહેરમાં બીઆરટીએસ કોરીડોર પર કોરોના બસ દોડાવવાની પણ જાહેરાત કરી ૧.૫ કરોડના બજેટની પણ ફાળવણી આ પ્રકારની બસ માટે કરવામાં આવી હતી.પરંતુ છેક પાછળથી તંત્રને તેની ભૂલ સમજાઈ કે,બીઆરટીએસ કોરિડોરમાં કોરોના બસ દોડાવવા માટે હાલના બસસ્ટોપના આગળના દરવાજા તોડવા પડે એમ છે.અંતે આ પ્રોજેકટ પણ હાલ કાગળ ઉપર જ છે.