સિટી રાઈડ બસ-રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત : રપથી વધુને ઈજા

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૪
સાવલી તાલુકાના મંજુસર ગામનાં વાઘેલા ફળીયામાં રહેતા કેટલાક વ્યક્તિઓ આજે ભાડે કરેલ સીટી રાઈડમાં ભરૂચ જીલ્લાના ઝઘડિયા પાસે આવેલ બાવાગોર દરગાહ ખાતે જઈ રહ્યા હતાં તે વખતે તરસાલી બાયપાસ બ્રિજ પાસે એક રિક્ષા ચાલકને બચાવવા જતાં સીટી રાઈડનાં ચાલકે રિક્ષાને અડફેટમાં લઈ બસ પલ્ટી ખવડાવી દીધી હતી. જેમાં બસમાં તેમજ રિક્ષામાં મુસાફરી કરતા ૨૫ થી ૩૦ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. દરમ્યાન એક મહિલાનું ગંભીર ઈજાથી મોત નીપજ્યું હતું. રિક્ષાનાં મુસાફરો દેણા ગામથી કરજણ બેસણામાં જઈ રહ્યાં હતાં.
પ્રાપ્ત વિગતો અનુસાર સાવલી તાલુકાના મંજુસર ગામના વાઘેલા ફળિયામાં રહેતાં દરિયાબેન અમરસિંહ વાઘેલા, મદીનાબેન તખતસિંહ વાઘેલા, મુમતાઝબેન રણજીત વાઘેલા, ખેતુનબેન વાઘેલા સહિત ૨૦ થી રપ મહિલા મુસાફરો પોતાની ભાડે કરેલ સીટી રાઈડમાં ભરૂચ જીલ્લાનાં ઝઘડીયા પાસે આવેલ બાવાગોર દરગાહ ખાતે જઈ રહ્યા હતાં. સીટી રાઈડનો ચાલક મુસાફરોને લઈને નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો તે વખતે બાયપાસ તરસાલી બ્રિજ પાસેથી જતાં આગળ જતી મુસાફરો ભરેલી રીક્ષાને ઓવરટેક કરવાની લ્હાયમાં ઓટોરીક્ષાને અડફેટમાં લીધી હતી. જેથી રિક્ષા અને સીટી રાઈડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પરસોત્તમભાઈ રાઠોડ (રહે.વિરોદ), જમનાબેન રયજીભાઈ વસાવા તથા અન્ય એક મહિલા કે જેઓ રિક્ષામાં કરજણ ખાતે બેસણામાં જઈ રહ્યા હતાં તેઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. તદુપરાંત બસમાં મુસાફરી કરતાં મુસાફરોને પણ આ અકસ્માતમાં નાની મોટી ઈજાઓ થવા પામી હતી. આ તમામને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. રાજુબેન વાઘેલા નામની મહિલાને ગંભીર ઈજાઓ થતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ મંજુસર વાઘેલા ફળિયામાં થતાં સગાસંબંધીઓ હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતાં. અકસ્માત અંગે મકરપુરા પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks