(એજન્સી) નવી દિલ્હી,તા.૨૬
બંધારણ દિનના પ્રસંગે દિલ્હીના વિજ્ઞાનભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ બંધારણ લાગુ કરવાની તારીખને યાદ કરતા કહ્યું કે એ ગર્વની બાબત છે કે સાત દાયકામાં આપણુ બંધારણ મહાન શક્તિના રૂપમાં સ્થાપિત થયું છે. ચીફ જસ્ટીસે કહ્યું કે જ્યારે બંધારણ લાગુ કરવામાં આવ્યું ત્યારે આપણા બંધારણની ટીકા કરવામાં આવી હતી. સર ઇવર જેનિંગ્સે તેને અત્યંત મોટું અને કઠોર ગણાવ્યું હતું, પરંતુ સમયે આ ટીકાને કમજોર સાબિત કરી દીધી. સાત દાયકાથી આપણું સંવિધાન મહાન શક્તિના સ્વરૂપ તરીકે બની રહ્યું છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે બંધારણ આપણું માર્ગદર્શન કરે છે, મુશ્કેલ સમયમાં પણ બંધારણ જ માર્ગ દેખાડે છે. બંધારણની સલાહ અનુસાર ચાલવું આપણા હિતમાં રહેશે. જો આપણે એવું નહીં કરીએ તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. ઉલ્લેખનીય છે કે દેશમાં દર વર્ષે ૨૬ નવેમ્બરે બંધારણ દિન મનાવવામાં આવે છે. આ દિવસે ડૉ. ભીમરાવ આંબેડકરને યાદ કરવામાં આવે છે. તેમણે ભારતીય બંધારણના રૂપમાં દુનિયાનું સૌથી મોટું બંધારણ તૈયાર કર્યું હતું. કહેવાય છે કે દુનિયાના તમામ બંધારણોનો બારીકીપૂર્વક અભ્યાસ કર્યા બાદ ભારતીય બંધારણ તૈયાર થયું હતું. ભારતીય બંધારણમાં ૪૪૮ અનુચ્છેદ, ૧૨ અનુસૂચિઓ અને ૯૪ સંશોધન સામેલ છે. આ હસ્તલિખીત બંધારણ છે જેમાં ૪૮ આર્ટિકલ છે. ભારતનું બંધારણ તૈયાર કરવામાં ૨ વર્ષ, ૧૧ મહિના અને ૧૭ દિવસનો સમય લાગ્યો હતો.