National

CJI રંજન ગોગોઇનું નવું રોસ્ટર, PILની સુનાવણી પોતે જ કરશે

(એજન્સી) નવી દિલ્હી, તા. ૩
જસ્ટિસ રંજન ગોગોઇએ દેશના ૪૬મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે બુધવારે શપથ લીધા હતા જેઓએ પહેલી ઓક્ટોબરે નિવૃત્ત થયેલા મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાનું સ્થાન લીધું હતું. મહાત્મા ગાંધીની જન્મ જયંતિ હોવાને કારણે જસ્ટિસ રંજન ગોગોઇએ બીજી ઓક્ટોબરે શપથ લીધા ન હતા. બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. રંજન ગોગોઈએ ત્રીજી ઓક્ટોબરે નવા મુખ્ય ન્યાયાધીશની જવાબદારીઓ મેળવી છે. જસ્ટિસ ગોગોઈ આ હોદ્દા પર પહોંચનારા પૂર્વોત્તર ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. તેમનો કાર્યકાળ ૧૭મી નવેમ્બર ર૦૧૯ના રોજ પૂર્ણ થશે. તેમના પિતા કેશવચંદ્ર કોંગ્રેસ સરકારમાં મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયમૂર્તિ બનતા જ જસ્ટિસ રંજન ગોગોઇએ નવું રોસ્ટર જારી કરી દીધું હતું અને તેને બુધવારથી જ અમલમાં લાવી દીધું હતું. નવા રોસ્ટર અનુસાર ભારતના મુખ્ય ન્યાયાધીશ જ પીઆઇએલ પર સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં કેસોની સુનાવણી મુજબ રોસ્ટર બનાવાયું છે. આ રોસ્ટર અનુસાર મુખ્ય ન્યાયમૂર્તિ જાહેર હિતની અરજીઓ, ચૂંટણી સંબંધિત અરજીઓ, કોર્ટના અનાદર સાથે સંબંધિત અરજીઓ, હેબિયસ કોર્પ્સ, સામાજિક ન્યાય, અપરાધિક મામલા, બંધારણીય પદો પર નિયુક્તિ સહિત અન્ય મહત્વના કેસો સાંભળશે અને તેઓ જ નક્કી કરશે કે જાહેર હિતની અરજીની સુનાવણી કયા જજને આપવામાં આવે. રોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્ય ન્યાયમૂર્તિ ફળવણી કરશે તો જાહેર હિતની અરજી બીજા નંબરના જજ જસ્ટિસ મદન બી લોકુર પણ સાંભળશે. જસ્ટિસ રંજન ગોગોઇએ જણાવ્યું હતું કે, કેસોના વિલંબ વિના ઉલ્લેખ અને સુનાવણી માટે માપદંડ નક્કી કરવામાં આવશે. આ જ ક્રમમાં ચીફ જસ્ટિસે કહ્યું કે, જ્યાં સુધી કોઇને ફાંસી પર ચડાવાઇ રહ્યો ન હોય અથવા ઘરમાંથી બહાર કાઢવામાં આવી રહ્યો ન હોય અને કોઇ અન્ય મામલે અવિલંબ સુનાવણી માટે નોંધપાત્ર ગણવામાં આવશે. તેમણે કહ્યું કે, જો કોઇને બીજા દિવસે ફાંસી આપવાની હોય ત્યારે તેની જરૂર આપણે સમજી શકીએ છીએ. ગયા મહિને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમના નામની ભલામણ સીજેઆઇ મિશ્રાએ કરતા મુખ્ય ન્યાયાધીશ તરીકે ગોગોઇની નિમણૂંક શક્ય બની હતી. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ ગોગોઇ એવા ચાર જજોમાં સામેલ છે જેઓએ આ વર્ષે જ જાન્યુઆરીમાં પત્રકાર પરિષદ કરીને સર્વોચ્ચ અદાલતમાં વહીવટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમણે સુપ્રીમ કોર્ટમાં મહત્વના કેસોની વહેંચણી જુનિયર જજોને આપવાનો આરોપ લગાવ્યો હતો. તેઓ ઉપરાંત અન્ય ત્રણ જજોમાં જસ્ટિસ જે ચેલમેશ્વર(હવે નિવૃત્ત), જસ્ટિસ એમબી લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફનો સમાવેશ થાય છે.

મમતાએ મુખ્ય ન્યાયમૂર્તિને અભિનંદન આપ્યા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બુધવારે ન્યાયમૂર્તિ રંજન ગોગોઇને ભારતના ૪૬મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શપથગ્રહણ સમારોહ બુધવારે સવારે યોજાયો હતો રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને ગોપનિયતા સોગંધ લેવડાવ્યા હતા. મમતા બેનરજીએ ટિ્‌વટ કરતા કહ્યું હતું કે, પદભાર સંભાળવા બદલ ભારતના ૪૬મા મુખ્ય ન્યાયમૂર્તિને મારા તરફથી અભિનંદન અને શુભકામનાઓ. અમને બધાને તમારા પર ગર્વ છે. ન્યાયમૂર્તિ ગોગોઇએ પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાનું સ્થાન લીધું છે જે ૧લી ઓક્ટોબરે સેવાનિવૃત્ત થયા હતા.

જ્યાં સુધી પરિણામો નિર્ધારિત નહીં થાય ત્યાં સુધી કોઈ કેસની તાત્કાલિક સુનાવણી નહીં : CJI રંજન ગોગોઈ

દેશના મુખ્ય ન્યાયાધીશના હોદ્દાના સોગંદ લીધા પછી આજે પ્રથમ દિવસે જ જજ ગોગોઈએ પોતાનું કડક વલણ સ્પષ્ટ કર્યું હતું. એમણે સ્પષ્ટ કર્યું કે સુપ્રીમ કોર્ટ ત્યારે જ તાત્કાલિક સુનાવણી કરશે જ્યારે કોઈને ફાંસી થવાની હોય, અથવા કોઈ ડિમોલિશન જેવી કાર્યવાહીનો મામલો હોય. સીજેઆઈના આ પ્રકારના કડક વલણને જોતા મહારાષ્ટ્ર સરકારે ગૌતમ નવલખા મામલે તાત્કાલિક સુનાવણીની માગણી કરવાનો વિચાર માંડી વાળ્યો. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ૬ રોહિંગ્યાઓને ડિપોર્ટ કરવાનો મામલો ઉઠાવ્યો તો સીજેઆઈએ કહ્યું પહેલાં અરજી દાખલ કરો પછી જોઈશું.
સીજેઆઈ રંજન ગોગોઈએ પહેલાં જ દિવસે ભાજપ નેતા અશ્વિનીકુમાર ઉપાધ્યાયની ચૂંટણી સુધાર અંગે દાખલ થયેલ અરજી રદ કરી. જ્યારે સુનાવણી શરૂ થઈ ત્યારે સીજેઆઈ રંજન ગોગોઈએ ઉપાધ્યાયને એમના વકીલોને નિર્દેશો આપતા જોયા તેથી ગોગોઈએ નારાજગી દર્શાવી. એમણે ઉપાધ્યાયને કહ્યું તમે પોતે પિટિશન ઈન પર્સન નથી. તેથી વકીલને આ રીતે કેમ નિર્દેશો આપો છો. તમારી અરજી આ જ મુદ્દે રદ કરવામાં આવે છે. આજે સોગંદ લીધા પછી ગોગોઈ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ત્યારે પહોંચતાની સાથે એમણે મેંશનિંગ માટે ના પાડી. કહ્યું કે, મેંશનિંગ માટે પહેલાં અરજી કરવી અનિવાર્ય રહેશે અને ફક્ત અરજન્ટ મેટરો જ મેંશનિંગ કરી શકાશે.