(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૩
ગુજરાત સરકારે તેની કામગીરીની રજેરજની માહિતી એકત્ર કરી પ્રજાના કામો થઈ રહ્યા છે કે કેમ અને થઈ રહ્યા છે તો તે કયા તબક્કે છે અને કયા અધિકારી બિનકાર્યક્ષમ છે તે સહિતની તમામ બાબતો સાથે સમગ્ર કામગીરીનું મોનિટરિંગ કરવા માટે સીએમ ડેશબોર્ડ તૈયાર કર્યું છે જેના થકી ગુજરાત સરકાર ગાંધીનગરમાં બેઠા-બેઠા તમામ કામગીરીનું નિરીક્ષણ કરવા સાથે તેના માટે ઉચિત પગલાં પણ ભરી શકશે.
આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં સીએમ ડેશબોર્ડ અંગે પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર તેના તમામ વિભાગો ની કામગીરીનું કાર્યાલયમાં બેઠા-બેઠા મોનિટરિંગ કરી શકશે એટલે કે સીએમ ડેશબોર્ડ હવે એક પ્રકારનો સરકારનું ત્રીજું નેત્ર બની રહેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સી.એમ ડેશ બોર્ડ દ્વારા સરકાર ના પબ્લિક ડિલિંગ વિભાગો નું સીધું મોનીટરીંગ મુખ્યમંત્રી કાર્યાલય થી થશે તેમ જણાવ્યું છે.. રાજ્ય સરકારના બધા જ વિભાગો અને જિલ્લા કચેરીઓ સહિત સમગ્ર સરકાર કમાન્ડ કન્ટ્રોલ વોલ ડેશ બોર્ડ સાથે જુલાઈ માસના અંત સુધી માં જોડાઈ જશે એમ તેમણે જાહેર કર્યું છે. મુખ્યમંત્રી એ આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મીડિયા સમક્ષ આ ડેશ બોર્ડ ની કામગીરીનું પ્રેઝન્ટેશન અને વિસ્તૃત વિવરણ કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે બધા જ જિલ્લા કલેક્ટરો ડી ડી ઓ એસ.પી ને પ્રતિ માસ ૮ થી ૧૦ મુદ્દાઓ ફોક્સ પોઇન્ટ તરીકે આપીને એ વિષયો માં એમના જિલ્લા ની સ્થિતિ ની સમીક્ષા કરાશે. આવા ફોક્સ એરિયામાં શ્રેષ્ઠ દેખાવ માટે ની હેલ્ધી કોમ્પિટિશન થશે અને અધિકારીઓ ની એફિસિયન્સીનું સતત મોનીટરીંગ પણ શક્ય બનશે.આના પરિણામે કાર્યદક્ષતા વધશે. વિજય ભાઈ એ કહ્યું કે આ ડેશ બોર્ડમાં હાલ ૧૭૦૦ જેટલા પેરામીટર્સ અને ઇન્ડીકેટર્સ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે અને તેના સન્દર્ભ માં જિલ્લા તાલુકા વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા તલ સ્પર્શી રીતે હાથ ધરીને મુખ્યમંત્રી કાર્યાલય માંથી ૩ કોલ આપી કામગીરી પૂર્ણ કરવા ની સતત સૂચના અને દેખરેખ રખાય છે.
આ ડેશ બોર્ડ સરકાર નું ત્રીજું નેત્ર બનીને પારદર્શિતા થી ટેકનોલોજીના ઉપયોગ થી ગુડ ગવરનાન્સનો નવીન પ્રયોગ બન્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી એ જણાવ્યું કે સર્વેલન્સ સીસ્ટેમથી રાજ્યમાં ક્યાં સ્થળે કઇ સ્થિતિ છે તે પણ મુખ્યમંત્રી સ્તરે જાણી શકાય છે. તેમણે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ માં રાજ્ય ની સિદ્ધિ અને સ્થિતિ પણ આના દ્વારા જાણી શકાશે એમ કહીને ઉમેર્યુકે નેશનલ પેરામીટર્સ માં પણ મોનીટરીંગ કરીને ગુજરાત એમાં આગળ રહી સ્પર્ધા કરી શકે તે માટે પણ સજ્જ થઇ શકાશે. વિજય ભાઈ એ કહ્યું કે મોટા પ્રોજેક્ટ ના અમલીકરણ ફોલોઅપ સમાયાવધી વિશે પણ આ ડેશ બોર્ડ ઉપયુક્ત બનશે.. મુખ્યમંત્રી એ સ્પષ્ટ પણે જણાવ્યું કે સી એમ ડેશ બોર્ડ માર્ગદર્શક બનશે તે અનુસાર વિભાગો જિલ્લાઓ કામગીરી કરશે. રાજ્ય ના વિવિધ વિભાગોની આઈ. ટી ટિમ અને ડેશ બોર્ડ ના સંકલન થી આ પદ્ધતિને વધુ પરિણામ લક્ષી બનાવવાશે તેમ પણ મુખ્યમંત્રી એ જણાવ્યું હતું. મીડિયા સમક્ષ ડેશ બોર્ડ ની જિલ્લા સ્તરની સ્થિતિનું પણ જીવન્ત નિદર્શન કરવા માં આવ્યું હતું.
આ ડેશબોર્ડ થકી સરકારના મહેસૂલ, પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ, શહેરી વિકાસ સહિતના તમામ વિભાગોની કામગીરી તેના પેટાવિભાગો સહિત કયા તબક્કે છે અને કેટલી અરજીઓનો નિકાલ થયો છે અને કેટલી અરજી પેન્ડીંગ ચાલી રહી છે તેની માહિતી એક જ આંગળીના ટેરવે જાણી શકાશે અને તેમાં ફાઈલ ડિલે ક્યાં થઈ રહી છે, તેની પાછળનું કારણ અને કયા અધિકારી તેમાં કાર્યક્ષમ અને બિન કાર્યક્ષમ છે તેનો અહીં બેઠા ખ્યાલ આવી શકશે.આ બધી માહિતી બાદ કામગીરીમાં ઝડપ લાવવા ત્રણ સ્તરીય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમાં જે તે અધિકારીને અહીંથી ફોન કરીને સુચના આપવામાં આવશે અને બીજા તબક્કે ઉચ્ચ અધિકારી ફરી સૂચના આપશે અને તે બાદ છેલ્લા તબક્કે મુખ્યમંત્રી પોતે ફોન કરીને અધિકારીને જણાવશે કે તમારી ફાઇલો- અરજીઓ પેન્ડિંગ છે તેનો નિકાલ ઝડપથી લાવો. આ સમગ્ર મોનિટરિંગ દરમિયાન જે અધિકારીઓ બિનકાર્યક્ષમ માલુમ પડશે તેઓ સામે એક્શન લેવા માટેનો મુદ્દો વિચારણા હેઠળ છે ભવિષ્યમાં તે અંગે નિર્ણય લેવામાં આવશે.