મુખ્યમંત્રીના હેડક્વાર્ટર સ્વર્ણિમ સંકુલમાં ઉચ્ચ અધિકારીના લેપટોપની ઊઠાંતરી !

મજબૂત સરકારના શાસનમાં ‘દીવા તળે અંધારું’

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.ર૦

પ્રજાના અને પ્રજાના જાન-માલના રક્ષણ માટેના વચનો આપી સત્તાના સૂત્રો સંભાળનાર ભાજપ સરકાર મોટી મોટી વાતો હાંકવામાં કોઈ કમી કરતી નથી પરંતુ હકીકતની સ્થિતિનો ચિતાર છાશવારે બહાર આવતો જ રહે છે. આવો જ એક કિસ્સો ગાંધીનગર સચિવાલયમાં બન્યો. દીવા તળે અંધારૂની ઉકિતને સાર્થક કરતા આ બનાવમાં જયાંથી સમગ્ર રાજયનું સંચાલન થાય છે એટલે કે  ગુજરાતની રાજધાનીમાં  અભેદ્ય સુરક્ષાવાળા સરકારી મુખ્ય કાર્યાલય કે જયાં મુખ્યમંત્રી બેસે છે તે સ્વર્ણિમ સંકુલમાં જ સરકારના  ઉચ્ચ  અધિકારીનું કેબિનેટની બુધવારની બેઠક વખતે લેપટોપ જ  ચોરાઈ જતા સલામતીના સામે પ્રશ્નો તો ઉભા થાય છે પરંતુ સાથે સાથે સવાલ એ થાય છે કે પરિંદા ભી પર માર નહી શકતા જેવી સલામતી વ્યવસ્થા વચ્ચે મુખ્યમંત્રી કાર્યાલયની બિલ્ડીંગમાંથી કોઈ ચોર કે ગઠિયો કઈ રીતે લેપટોપ ઉઠાવી ગયો  ? દર બુધવારે મળતી રાજય સરકારના મંત્રીઓની કેબિનેટ બેઠક વખતે ગાંધીનગર સચિવાલય ખાતે સ્વર્ણિમ સંકુલ-૧માં જયાં બેઠક મળે છે તે ખંડમાંથી સરકારના  ઉચ્ચ અધિકારીના લેપટોપની ધોળે દહાડે ઉઠાંતરી થઈ જતા સમગ્ર સચિવાલય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાઈ જવા પામ્યું છે. તો સલામતી વ્યવસ્થા કરનારાઓ દોડતા થઈ ગયા હતા,   દીવા તળે અંધારૂ જેવી આ ઘટનામાં કેબિનેટની બેઠક મોટા ભાગે સચિવ કક્ષાના ઉચ્ચકક્ષાના જ અધિકારીઓ ભાગ લેતા હોય છે ત્યારે એક અધિકારી પોતાનું લેપટોપ લઈને બેઠકમાં આવ્યા હતા અને તે ચાર્જિંગમાં મુકયું હતું. દરમ્યાન કેબિનેટ બેઠક પૂર્ણ થતા મુખ્યમંત્રી તથા અન્ય  મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ રાબેતા મુજબ એક પછી એક ખંડમાંથી નિકળતા અને તેમાં કેટલાક વાતો કે ચર્ચા કરતા કરતા પણ નીકળતા હોય છે ત્યારે આ અધિકારી પણ  અન્યો સાથે ચર્ચા કર્યા બાદ છેલ્લે જયારે ખંડમાંથી પોતાનું લેપટોપ લેવા ગયા ત્યારે ત્યાં લેપટોપ જ નહતું. આમ   એકાએક લેપટોપ જ ગાયબ થઈ જતાં ભારે શોધખોળ કરી હતી પરંતુ તે કયાંય નજરે પડયું નહતું. દરમ્યાન આ વાત માલૂમ પડતા સંકુલના સલામતી વ્યવસ્થાના જવાનો પણ શોધખોળમાં લાગી ગયા હતા. સરકારના  આ ઉચ્ચઅધિકારીએ પોતાનું લેપટોપ ચોરાઈ જતા તે અંગે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા  મળી રહયું છે જો કે આ મુખ્યમંત્રી જયાં બેસે છે તે સ્વર્ણિમ સંકુલ ખાતે બનેલો બનાવ હોઈ ફરિયાદ થાય અને વાત પ્રસરે તો બદનામી થાય તેમ હોઈ મોટા ભાગે  પોલીસ ફરિયાદ ના પણ કરાય તેવી વિગતો સાંપડી  છે ગમે તેમ પણ મુખ્યમંત્રીના હેડકવાર્ટરમાં જ ગાબડા સમાન, જડબેસલાક બંદોબસ્ત વચ્ચે આ રીતે  લેપટોપ ઉઠાવી જવાની ઘટના સલામતી વ્યવસ્થા સામે પ્રશ્નાર્થો ઉભા કરે છે તો તેની સાથે રાજયની સ્થિતિની સાક્ષી પણ પૂરે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks