(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૨૧
વલ્લભવિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીમાં શૈક્ષણિક સુવિધાઓમાં વધારો કરતાં અને દાતાઓના સંપૂર્ણ આર્થિક સહયોગથી રૂા.ત્રણ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ઇન્દુકાકા ઇપ્કોવાળા સેન્ટર ફોર ઇન્ટર ડિસિપ્લીનરી સ્ટડીઝ ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને દેવાંગભાઇ ઇપ્કોવાળા સેન્ટર ફોર ઇન્ટર ડિસિપ્લિનરી સ્ટડીઝ ઇન હ્યુમેનિટીસ એન્ડ સાયન્સિસનું લોકાર્પણ તેમજ દાતાના રૂા.પાંચ કરોડના સહયોગ તથા રૂા.પાંચ કરોડના સરકારી અનુદાન સહિત રૂા.૧૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ઇપ્કોવાળા ઓડિટોરિયમનું રાજયનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન કરતા રાજયની યુવા શકિતને તેના નાવીન્યપૂર્ણ સંશોધન, નવા વિચારો, નવા ઇનોવેશન્સને મૂર્તિમંત કરવા વિદેશોમાં જવું ન પડે તેવી અદ્યતન ટેકનોલોજીસભર વ્યવસ્થા રાજયની યુનિવર્સિટીઓ કરે તેવું આહવાન કર્યું હતું.
તેમણે આ તકે એવો અનુરોધ પણ કર્યો કે, દુનિયામાં જે નવા ઇનોવેશન્સ થઇ રહ્યા છે તેમાં ગુજરાતનો યુવાન પાછળ ન રહી જાય, તેને ટેકનોલોજી ઇમ્પોર્ટ ન કરવી પડે તેવી સમયાનુકૂલ વ્યવસ્થા વિકસાવવી એ સમયની માંગ છે અને યુનિવર્સિટીઓ તે માટે સજ્જ બને. તેમણે આઇ.ટી., મેન્યુફેકચરીંગ, સર્વિસ સેકટરમાં નવીન આવિષ્કારો થતાં મહત્તમ જોબ ક્રિએશન થશે તેમ પણ જણાવ્યું હતું.
ગુજરાત સમગ્ર દેશના યુવાનો માટે લેન્ડ ઓફ ઓર્પોચ્યુનિટી બનવા સાથે આકર્ષણનું કેન્દ્ર બને તે દિશામાં સરકાર આગળ વધી રહી છે. રાજય આવનારા દિવસોમાં મરિન યુનિવર્સિટી તેમજ ડીફેન્સ યુનિવર્સિટી સ્થાપવાની દિશામાં પણ સરકાર વિચારી રહી હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઇપ્કોવાળા ફાઉન્ડેશનના દેવાંગભાઇ તથા ઇપ્કોવાળા પરિવારનો શૈક્ષણિક પ્રકલ્પોમાં આર્થિક સહયોગ બદલ ઋણ સ્વીકાર કરતાં જણાવ્યું કે, સરદાર પટેલ યુનિવર્સિટીમાં નિર્માણ થયેલ શૈક્ષણિક પ્રકલ્પો સમગ્ર દેશમાં લોકભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે. શિક્ષણ આરોગ્ય જેવા સામાજિક ક્ષેત્રોમાં સરકારની સાથે સમાજનું યોગદાન મળે તો તેનો સીધો લાભ સમાજને થાય છે. આધુનિક ટેકનોલોજીના વિનિયોગ દ્વારા યુવા શકિતને શિક્ષિત કરવા અનુરોધ કર્યો હતો.
ઇપ્કોવાળા ફાઉન્ડેશનના વડા અને દાતા દેવાંગ પટેલે જણાવ્યું કે, ઇપ્કોવાળા પરિવાર સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજી ફરજ નિભાવી રહ્યો છે. આ અવસરે ઇપ્કોવાળા પરિવાર દ્વારા રૂા. એક કરોડનો ચેક સરદાર પટેલ યુનિવર્સિટીને અર્પણ કરવામાં આવ્યો હતો.
પ્રારંભમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.શિરીષ કુલકર્ણીએ સૌનો આવકાર કર્યો હતો. જ્યારે અંતમાં કાર્યકારી કુલસચિવ તુષાર મજમુદારે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે ખંભાતના ધારાસભ્ય મયુર રાવલ, પૂર્વ સાંસદ દિપકભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ, જિલ્લા અગ્રણી મહેશભાઇ પટેલ, મહિલા અગ્રણી શ્રીમતી હંસાકુંવરબા રાજ, ચારૂતર વિદ્યામંડળના હોદ્દેદારો, સિન્ડીકેટ-સેનેટ સભ્યો, ઇપ્કો પરિવારના શ્રીમતી અનીતાબેન પટેલ સહિત પરિવારના સદસ્યશ્રીઓ, કલેકટર દિલીપ રાણા, શિક્ષણ જગતના અગ્રણીઓ, વિવિધ ફેકલ્ટીના ડીન-પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.