રૂા.૬૦ કરોડના બારદાન કૌભાંડમાં મુખ્યમંત્રીનું નામ પણ ખુલી શકે છે

અમદાવાદ, તા.૧૩
રૂા. ૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડમાં આખી ગુજરાત સરકારે આંખ આડા કાન કર્યા છે. ગુજરાતની ભાજપ સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નામ કોલકાતાના રૂા.૬૦ કરોડના બારદાન કૌભાંડમાં આવનાર દિવસોમાં બહાર આવે તો નવાઈ નહી, એમ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ધરણાં કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું.
ગુજરાત સરકાર ઉપર સીધો આક્ષેપ કરતાં અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓના ભાડે રાખેલ ગોડાઉનમાં મગફળી સાથે ઢેફાં ફ્રીની કૃષિ યોજનામાં ખેડૂતો રાતા પાણીએ રોયા છે. મગફળી સાથે ભાજપ સરકારના મળતિયાઓએ ઢેફાંનો વેપાર કરી લૂંટ ચલાવી છે. ગુજરાતના ગરીબ ખેડૂતોના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા ગુજરાતથી લઈ દિલ્હીમાં બેઠેલા ભાજપના નેતાઓના ખિસ્સામાં ગયા હોય તેવું લાગી રહ્યું છે.
હલકી ગુણવત્તાની મગફળીની ખરીદી કરી ભાજપના નેતાઓના ગોડાઉનમાં ભરી આગ લગાડી સળગાવવામાં પણ સરકારી અધિકારીઓની સંડોવણી બહાર આવી રહી છે. ફાયર ફાઈટરના જવાનના એક ઓડિયો ક્લીપમાં એસ.ડી.એમ. (નાયબ કલેકટર) જેવા અધિકારી દ્વારા બચાવવાની જગ્યાએ લાગેલી આગ વધુ લાગે તેવા પ્રયત્નો કરેલ છે તેની પણ તપાસ થવી જોઈએ. ગુજરાતથી મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીને પણ ગુજરાતના ગરીબ ખેડૂતોના પરિવારના મગફળી કૌભાંડમાં ચોકી કરવાને બદલે સૂઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. દેશના ખેડૂતો બેહાલ છે અને દેશના ચોકીદાર પાસે રૂા.૪૦૦૦ કરોડની મગફળી કોણ ખાઈ ગયું તેનો જવાબ નથી. પણ ગુજરાતના લોકો સાથે સમગ્ર દેશના લોકો સાથે વિશ્વાસઘાત થયો હોય તેવો ભાજપની નિષ્ફળ સરકાર તરફથી એહસાસ થઈ રહ્યો છે. આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતા તેનો જડબાતોડ જવાબ આપશે. હાઈકોર્ટના સીટીંગ જજની તપાસથી ભાજપ સરકાર કેમ ભાગી રહી છે ? તેનું કારણ એ જ કે ભાજપના નેતાઓ અને મગફળી કૌભાંડના લુંટારાઓ જેલ ભેગા થાય તેમ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks