Site icon Gujarat Today

ભાજપના ધારાસભ્ય બી શ્રીરામુલુએ ઉત્તર કર્ણાટક માટે અલગ રાજ્યની માગણી કરી, કહ્યું : મુખ્યમંત્રી પક્ષપાત કરે છે, ક્ષેત્રની અવગણના થાય છે

(એજન્સી) તા.૨૮
ભાજપના ધારાસભ્ય બી શ્રીરામુલુએ ઉત્તર કર્ણાટક માટે અલગ રાજ્યની માગણી કરી છે. તેમનું કહેવું છે કે રાજ્ય સરકાર આ ક્ષેત્રના હિતોની અવગણના કરી રહી છે. મુખ્યમંત્રી કુમારસ્વામી પક્ષપાત કરે છે. તેમણે આ મામલે મોટા આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. કર્ણાટકના મોલકાલમોરુથી ભાજપના ધારાસભ્ય શ્રીરામુલુએ રાજ્યના ઉત્તર ભાગ સાથે અન્યાય થવાનો આરોપ લગાવતાં અલગ રાજ્યની હિમાયત કરી હતી. જોકે પ્રદેશ ભાજપ પ્રમુખ બી.એસ. યેદ્દિયુરપ્પાએ પહેલા જ કહી દીધું હતું કે આ પ્રકારની માગણીથી કોઈ સમાધાન નહીં નીકળે. પાર્ટી સાંસદ શોભા કરંદલજેએ પણ અલગ રાજ્યની માગણી નકારી દીધી હતી. તેમણે મૈસૂરમાં કહ્યું કે અલગ રાજ્યની માગણી અયોગ્ય છે અને તે તેની સાથે સંમત પણ નથી. શ્રીરામુલુએ કહ્યું કે તે ઉત્તર કર્ણાટક માટે અલગ રાજ્યની માગણી કરતાં કેટલાક સંગઠનો દ્વારા બે ઓગસ્ટે કરાનારા બંધના આહ્‌વાનને ટેકો આપશે. ક્ષેત્રથી કોંગ્રેસ નેતા એચ.કે. પાટિલ સહિત કેટલાક નેતાઓએ રાજ્ય સરકાર પર પોતાના બજેટમાં ઉત્તર કર્ણાટક સાથે અન્યાય કરવાનો આરોપ મૂક્યો છે. ઉત્તર કર્ણાટક હોરાત સમિતિ અને ઉત્તર કર્ણાટક વિકાસ વેદિકે જેવા સંગઠનોએ પણ રાજ્ય સરકાર પર ક્ષેત્રના હિતોની અવગણના કરવાનો આરોપ મૂક્યો છે. શ્રીરામુલુએ કહ્યું કે જો ઉત્તર કર્ણાટક સાથે અન્યાય થતો રહેશે તો અમે ચૂપ નહીં બેસીએ. અમે ઉત્તર કર્ણાટકના ધારાસભ્યો સાથે ચર્ચા કરી રહ્યા છીએ. બસ રાહ જુઓ અને જોજો અમે આગળ શું કરીએ છીએ. અલગ તેલંગાણાની જેમ આ આંદોલન પણ એક મોટી ક્રાંતિ બનશે.

Exit mobile version