કોલેજના વિદ્યાર્થીઓની નશાની લત છોડાવવા એજાઝ શેખે લખેલ પુસ્તક કોલેજોમાં વહેંચાશે

વિદ્યાર્થીઓ નશાના રવાડે ચઢ્યા હોવાનો સર્વે કર્યા બાદ તેના સમાધાન માટે અમદાવાદીનું  સરાહનીય પગલું

પુસ્તક વાંચ્યા બાદ ગુજરાતના યુવાનો ડ્રગ્સના દુરૂપયોગની સમસ્યાને સમજીને સરકાર ઉપર દોષારોપણ કરવાના બદલે વ્યસનમુક્તિની ઝુંબેશમાં ઝંપલાવશે : એજાઝ શેખ

n-26ડ્રગ્સના નુકસાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા પુસ્તક ઉપયોગી : હરિઓમ ગાંધી

અમદાવાદ,તા.૧૩

હેલ્થી કેમ્પસ ચલાવતા  અને નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોના  ઝોનલ ડાયરેકટર હરિઓમ ગાંધીએ જણાવ્યું હતું કે, નાર્કોટિકસ વિષય ઉપર એઝાઝ શેખે લખેલા પુસ્તકમાં ડ્રગ્સના પ્રકારો નશા બંધાણી થવાના કારણો અને તેની આડ અસરો વ્યસનમુકિતની પ્રક્રિયા તેને લગતા કાયદાઓ અને નીતિઓ તથા હેલ્થી કેમ્પસને આવરી લેવામાં આવ્યા છે. ત્યારે આ  પુસ્તક વિદ્યાર્થીઓ, શિક્ષકો, યુવાનો અને જાહેર જનતામાં જાગૃતિ લાવવામાં ખૂબ  ઉપયોગી સાબિત થશે. જો કે છેલ્લા ત્રણ વર્ષથી હેલ્થી કેમ્પસ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો કરી રહયા છીએ. પરંતુ તા.ર૪ ઓકટોબરે અમે સત્તાવાર હેલ્થી કેમ્પસ ઝુંબેશને રાજય સરકારના સમર્થનથી લોન્ચ કરીશું. વધુમાં હરિઓમ ગાંધીએ ઉમેર્યું હતું કે અમારી ઝુંબેશ થકી અત્યાર સુધીમાં ૪૦૦થી પ૦૦ જેટલા વિદ્યાર્થીઓને ડ્રગ્સની ચુંગાલમાં જતાં અટકાવી દેવામાં આવ્યા છે અને આ પુસ્તકના માધ્યમથી વધુને વધુ લોકોને જાગૃત કરી નશાની લતથી દુર કરી સ્વસ્થ ભારતના સ્વપ્નને સાકાર કરીશું.

 

 

(ફિરોજ મનસુરી)   અમદાવાદ, તા.૧૩

અમદાવાદની કોલેજોના યુવાનો નશાના રવાડે ચઢ્યા હોવાનો સર્વે કરનારા અમદાવાદી યુવાને હેલ્ધી કેમ્પસની ઝુંબેશ સાથે જોડાઈને હવે વિદ્યાર્થીઓમાંે નશામુક્તિ અંગે જાગૃતતા લાવવા એક પુસ્તક લખ્યું છે. જેને ખુદ રાજ્ય સરકાર દ્વારા તા.ર૪ ઓક્ટોબરના રોજ અમદાવાદમાં લોન્ચ કરાશે. આ પુસ્તક વાંચ્યા બાદ ગુજરાતના યુવાનો ડ્રગ્સના દુરૂપયોગની સમસ્યાને સમજી વ્યસનમુક્તિની ઝુંબેશમાં ઝંપલાવશે તેવી આશા પુસ્તક લખનાર અમદાવાદી યુવાન સેવી રહ્યો છે.

ગ્લેમરસ લાઈફ સ્ટાઈલ, મિત્રોની દેખાદેખી અને અભ્યાસમાં નબળા કોેલેજોના વિદ્યાર્થીઓ નશાના રવાડે ચઢ્યા હોવાનો સર્વે એમએસડબ્લ્યુ રિસર્ચ સ્કોલર (પીએચડી) એજાઝ શેખે કર્યો હતો. જેને ‘ગુજરાત ટુડે’એ સૌ પ્રથમ પ્રકાશિત કર્યો હતો. આ અંગે એજાઝ શેખે જણાવ્યુંં હતું કે અમદાવાદની કોલેજોના વિદ્યાર્થીઓ નશાના બંધાણી હોવા અંગે કરેલા સર્વેના આંકડાથી સરકાર ખુદ ચોંકી ઉઠી હતી. ત્યારે યુવાનોને નશાની લતથી છોડાવવા સમસ્યાનું સમાધાન કરવા માટે પગલું ભરવાનું સરકારે નક્કી કર્યું હતું. ત્યારે મારી પાસે આ સમસ્યા અંગે પુસ્તક રૂપે લોકોને જાગૃત કરવાના મારા સંશોધનથી ખુદ સરકાર પ્રભાવિત થઈ છે ત્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના હેલ્ધી કેમ્પસ સાથે મળીને લોકોને જાગૃત કરવાનું બીડુ ઝડપ્યું હતું તેથી ‘નાર્કોટિક અને સાઈકોટ્રોપિક ડ્રગ્સ’ નામનું પ૩ પેજનું પુસ્તક લખ્યું છે. તા.ર૪ ઓકટોબરે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના કન્વેનશન સેન્ટરમાં આ પુસ્તકને લોન્ચ કરાશે. હાલ અમદાવાદ ગાંધીનગર અને ખેડાની ૧૭૦ કોલેજોના ૧૦ હજાર વિદ્યાર્થીઓને આ પુસ્તક વહેંચવામાં આવશે. ઉપરાંત ૧ વર્ષમાં પાંચ લાખ પુસ્તકો વિદ્યાર્થીઓને વહેંચીને ડ્રગ્સથી થતાં નુકસાન અંગેની માહિતી અપાશે. જો કે આગામી સમયમાં શાળાઓમાં પણ આ પુસ્તક વહેંચવાનું આયોજન છે.  વધુમાં એજાઝ શેખે ઉમેર્યું હતું કે ડ્રગ્સના ઉપયોગની સમસ્યાને ખૂબ હળવાશથી લેવા વાળા લોકો આજે ચિંતિત બન્યા છે તે સારી બાબત છે. પરંતુ વૈજ્ઞાનિક સંશોધન અને જ્ઞાનની ઉપલબ્ધતા વગર આ સમસ્યાના સમાધાન સુધી પહોંચી શકવું મુશ્કેલ છે. તેમાંય ગુજરાતી ભાષામાં આ વિષયને લગતા સાહિત્યની અછત છે. ત્યારે હેલ્ધી કેમ્પસમાં જોડાયા બાદ મારા અવલોકનો માદક ડ્રગ્સ અને તેના બંધાણી પરના અભ્યાસના સંયોજનથી આ વિષય ઉપર જે સમજી શક્યો તે માહિતી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવું તેવી ઈચ્છાથી આ પુસ્તક લખ્યું છે. વિદ્યાર્થીઓ, વાલીઓ, યુવાનો, સામાજિક કાર્યકરો અને કાયદો વ્યવસ્થા સંભાળતી એજન્સીઓને આ પુસ્તકમાંથી ડ્રગ્સના દુરૂપયોગની સમસ્યાના લગભગ બધા પાસાઓ વિશેની માહિતી મળી શકશે. પુસ્તક વાંચ્યા પછી ગુજરાતના યુવાનો ડ્રગ્સના દુરૂપયોગની સમસ્યાને સમજશે અને સરકાર ઉપર દોષારોપણ કરવાને બદલે સમાજ અને દેશ પ્રત્યેની પોતાની ફરજ સમજી વ્યસનમુક્તિની ઝુંબેશમાં ઝંપલાવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts