(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
ભારતમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) અંગે હંમેશ હોબાળો થાય છે પરંતુ આ વખતે અમેરિકામાં હોબાળો થવાનો છે. અમેરિકાની ઇલેક્શન સિસ્ટમ એન્ડ સોફ્ટવેર (ઇએસએન્ડએસ)નામની કંપનીએ કબૂલ કર્યું છે કે તેના ઇવીએમમાં એવું સોફ્ટવેર હતું જેના દ્વારા મશીનને રિમોટથી હેક કરી શકાતું હતું. નોંધનીય છે કે ઇવીએમ બનાવનારી કંપનીઓની લિસ્ટમાં ઇલેક્શન સિસ્ટમ એન્ડ સોફ્ટવેરનું નામ સૌથી ઉપર હોય છે.
કંપનીએ અમેરિકી સેનેટર રોન વાઇડેનને આપેલા એક પત્રમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૦૦-૨૦૦૬ દરમિયાન વેચવામાં આવેલા ઇવીએમમાં ‘પીસીએનીવેર’ નામના એક સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સોફ્ટવેર દ્વારા ઇવીએમને રિમોટથી હેક કરી શકાય છે. મધરબોર્ડ નામની વેબસાઇટના રિપોર્ટમાં તેનો દાવો કરવામાં આવ્યો છે અને તેની પાસે એ પત્ર પણ છે, જેમાં કંપનીએ જવાબ આપ્યો છે.
નોંધનીય છે કે ૨૦૦૬માં અમેરિકામાં યોજાયેલી ચૂંટણીઓમાં ૬૦ ટકા મશીન ઇલેક્શન સિસ્ટમ એન્ડ સોફ્ટવેરે જ આપ્યા હતા. કંપનીના જવાબ મુજબ રિમોટ દ્વારા મશીનને હેક કરનાર આ સોફ્ટવેર વોટિંગ મશીનને બદલે ઇલેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ ટર્મિનલમાં હતું અને તેનો ઉપયોગ વોટિંગ મશીનને કન્ટ્રોલ કરવા માટે કરવામાં આવે છે. જોકે, કંપનીએ કહ્યું છે કે ‘પીસીએનીવેર’ સોફ્ટવેરનો ઉપયોગ ૨૦૦૭માં બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે રિપોર્ટ મુજબ ‘પીસીએનીવેર’ સોફ્ટવેરના સોર્સ કોડ હેકર્સે ઉડાવી લીધા હતા અને ૨૦૧૨ સુધી વાપર્યા. જોકે, આ કંપનીના ઇવીએમનો ભારતમાં યોજાનારી ચૂંટણીઓમાં ઉપયોગ થતો નથી.