અમદાવાદ, તા.૧૧
ગુજરાતમાં ૧પ લાખથી વધુ ડોમેસ્ટીક પીએનજી કનેકશન ધારક ગ્રાહકોના હિતમાં ગુજરાત સરકાર ૧પ ટકા વેટ નાબૂદ કરવો જોઈએ. કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને પીએનજીનો જીએસટીમાં સમાવેશ કર્યો નથી. એલપીજી ગેસ ઉપર સરકાર પ ટકા જીએસટી વસૂલ કરે છે. અગાઉ પ ટકા વેટ હતો, પરંતુ ગુજરાત સરકાર ગ્રાહકોને રાહત આપવા પ ટકા વસૂલ કરતી નથી, હવે રસોઈ ગેસના એલપીજી કનેકશનધારક ગ્રાહકો પર પ ટકા જીએસટીનો બોજો તેમજ રહેઠાણનો રસોઈ ગેસના પીએનજી ગ્રાહકોને ૧પ ટકા વેટનો બેફામ અને રાક્ષસી બોજો ભોગવવો પડે છે. આથી બળતણનો ખર્ચો વધારે ઊંચો આવે છે. ગુજરાત સરકારે ઓલ ઈન્ડિયા ગેસ કન્ઝયુમર્સ એસોસિએશનના ઔદ્યોગિક નેચરલ ગેસનો પાઈપલાઈન દ્વારા વપરાશ કરનાર ઉત્પાદકો અને કંપનીઓને ૧પ ટકા વેટ સામે ૯ ટકાનું રીફંડ આપી ફક્ત ૬ ટકા વેટ નક્કી કર્યો છે ત્યારે રસોઈગેસ માટે પીએનજી ગેસ કનેકશન ધારક ગ્રાહકો પાસે ૧પ ટકા વેટ વસૂલ કરવાનું ગુજરાત સરકારનું પગલું, અયોગ્ય અને ગ્રાહકવિરોધી છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાણામંત્રી નીતિન પટેલને આજરોજ આવેદનપત્રો પાઠવી ડોમેસ્ટીક પીએનજી કનેકશન ઉપર ૧પ ટકા વેટ સંપૂર્ણ નાબૂદ કરવા માગણી કરી છે. ગુજરાત સરકાર હસ્તકના ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન ગેસ કંપનીને જામનગર અને દ્વારકામાં ગેસ પાઈપલાઈનનું નેટવર્ક સ્થાપિત કરવા સરકારે જવાબદારી અને સત્તા આપી અધિકૃત કર્યા છે. ૧૦,૬૦૦ વર્ગ કિમીમાં ૩,૧૭,૦૦૦ ગ્રાહકો સહિત વિવિધ કોમર્શિયલ એકમોમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પાઈપલાઈન દ્વારા ગેસ સપ્લાય કરવાની કાર્યવાહી છેલ્લા ૪ર મહિનાથી ચાલી રહી છે. આગામી ર વર્ષમાં રપ લાખથી વધુ ગ્રાહકો પીએનજી કનેકશન મેળવશે ત્યારે ગુજરાતના રપ લાખથી વધુ પરિવારોનું ગુજરાત સરકાર આર્થિક શોષણ ના કરી શકે. વધુમાં મુકેશ પરીખે ગુજરાત સરકાર સમક્ષ પીએનજી ગ્રાહકોના હિતમાં ૧પ ટકા વેટ નાબૂદ કરવા અનેક રજૂઆતો કરી છે પરંતુ ગુજરાત સરકાર વેટની આવક છોડવા તૈયાર નથી. પર્યાવરણલક્ષી અને પ્રદૂષણમુક્ત સીએનજી અને પીએનજીના વપરાશને પ્રોત્સાહન આપવાની સરકારની નીતિ છે. પરંતુ વેટ નાબૂદ કરવામાં આવતો નથી.