(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૦
ગામડાઓમાં ભાજપનો જનાધાર ઘટતા સરકારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં દખલગીરી કરી સત્તાના જોરે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. અમિત શાહ દ્વારા રાજ્યની પ૦ ટકા જિલ્લા પંચાયત તોડવાનું ફરમાન ભાજપા સરકાર અને સ્થાનિક નેતાઓને સોંપવામાં આવ્યું હતું જે સફળ થયું નથી. કોંગ્રેસના વ્હીપનો અનાદર કરી બળવો કરનાર તમામ સભ્યોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સામે પક્ષાંતર ધારા હેઠળ કાયદાકીય લડાઈ શરૂ કરવામાં આવશે. ૩૧ જિલ્લા પંચાયત અને ર૩૦ તાલુકા પંચાયત માટે અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થયા બાદ નવા પ્રમુખ-ઉપપ્રમુખ, પદાધિકારીઓ માટે યોજાયેલ ચૂંટણી બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ૩૧ જિલ્લા પંચાયતની વર્ષ ર૦૧પમાં યોજાયેલ ચૂંટણીમાં ગુજરાતની જનતાએ કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન પર ર૩ જિલ્લા પંચાયતમાં જન સમર્થન-જનઆશીર્વાદ આપીને કોંગ્રેસ પક્ષને શાસન સોંપ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીનો કારમો પરાજય થયો હતો. તે જ રીતે ર૩૦ તાલુકા પંચાયતની વર્ષ ર૦૧પમાં યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને ૧ર૯ તાલુકા પંચાયતમાં વિજય અપાવ્યો હતો. પંચાયતીરાજના નિયમ મુજબ પ્રમુખ-ઉપપ્રમુખના અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થતાં કોંગ્રેસ પક્ષને ૧૮ જિલ્લા પંચાયતમાં પુનઃશાસન સ્થાપિત થયું છે. વર્ષ ર૦૧પમાં કારમો પરાજય પામેલ ભાજપાએ શામ-દામ-દંડ-ભેદનો અને સત્તાનો ભરપૂર દુરૂપયોગ કર્યો છે. પોલીસની ધાકધમકીનો ઉપયોગ કરવામાં આવ્યો, સહકારી ક્ષેત્રનો દુરૂપયોગ કર્યો. ડાંગ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી થતાં સરકારના ઈશારે ચૂંટણી મુલત્વી રાખવામાં આવી હતી.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ગામડામાં ભાજપાનો જનાધાર ઘટતા સરકારે સ્થાનિક સંસ્થાઓમાં દખલગીરી કરી હતી. સરકારે સત્તાના જોરે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો છતાં કોંગ્રેસે બહુમતી જાળવી રાખી છે. ભય અને લોભનું વાતાવરણ ઊભું કરી કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તોડવાનો પ્રયાસ કર્યો છે તેને વખોડું છું. ભાજપાએ સત્તા પરિવર્તન ભલે કર્યું હશે પણ ગામડામાં ભાજપાનો જનાધાર વધશે નહીં અને ર૦૧૯ની ચૂંટણીમાં ભાજપને જવાબ મળશે. કોંગ્રેસના વ્હીપનો અનાદર કરનાર તાલુકા અને જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યોને કોંગ્રેસ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે.
જિલ્લા સસ્પેન્ડ થયેલ
પંચાયત સભ્યોની સંખ્યા
ભાવનગર ૩
અમદાવાદ ૬
પાટણ ૮
દાહોદ ૯
મહિસાગર ૩
વડોદરા ૩