નવી દિલ્હી, તા. ૧૬
રાહુલ ગાંધીને આજે સત્તાવાર રીતે કોંગ્રેસના અધ્યક્ષ બનાવતા પહેલા દિલ્હી કોંગ્રેસના મુખ્યમથકે પોતાના અધ્યક્ષ પદના અંતિમ ભાષણમાં સોનિયા ગાંધીએ જણાવ્યંુ હતું કે, આજે હું કોંગ્રેસ અધ્યક્ષ તરીકે છેલ્લીવાર તમને સંબોધી રહી છું. સોનિયા ગાંધી દેશની સૌથી જુની પાર્ટીના ૧૯ વર્ષ સુધી અધ્યક્ષ રહ્યા. સોનિયા ગાંધી આ દરમિયાન પોતાના ભાષણાં ભાવુક બન્યા હતા. તેમના ભાષણના અંશ :
ઇન્દિરા ગાંધી સાથે તેમના સંબંધો : સોનિયા ગાંધીએ જણાવ્યું કે, પક્ષ અને પોતાની સફળતા પાછળ તેમના સાસુ અને દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો મોટો ફાળો છે. તેમણે કહ્યું કે, ઇન્દિરાજીએ મને પુત્રીની જેમ અપનાવી અને તેમની પાસેથી મેં ભારતની સંસ્કૃતિ વિશે જાણ્યું. એ સિદ્ધાંતો વિશે શીખી જેના પર આ દેશનો પાયો ટકેલો છે. જ્યારે ૧૯૮૪માં તેમની હત્યા થઈ ત્યારે મને લાગ્યું કે, મેં મારા પોતાના માતા ગુમાવ્યા છે.
કોંગ્રેસના અધ્યક્ષ તરીકે : પતિ રાજીવ ગાંધીની હત્યા બાદ જ્યારે તેમને પક્ષના અધ્યક્ષ બનવા કહેવાયું ત્યારે તેઓ અસ્વસ્થતા અને વ્યગ્રતા અનુભવી રહ્યા હતા. ૨૦ વર્ષ પહેલા જ્યારે મને કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા ત્યારે હું દ્વિઘા અનુભવતી હતી. હું ચિંતિત હતી કે, પાર્ટીના વારસાને કેવી રીતે સંભાળી શકીશ. બદલાવના સમયે મેં પાર્ટીની કમાન સંભાળી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ કેટલાક મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી હતી. તેમણે કહ્યું કે, અમે ડરાવવાવાળાઓમાંથી નથી અને ઝુકનારા પણ નથી. અમારો સંઘર્ષ આ દેશના આત્મા માટે સંઘર્ષ છે. અમે આનાથી ક્યારેય પાછા હટીશું નહીં. રાહુલ ગાંધીને અધ્યક્ષ પદ માટે અભિનંદન આપતા સોનિયા ગાંધીએ જણાવ્યું કે, રાહુલ મારો પુત્ર છે તેથી મારે એ કહેવાનું જરૂર નથી કે, તે સાચો છે. મારે કહેવું પડશે કે જ્યારે તે નાનો હતો ત્યારથી જ હિંસાથી દૂર છે. રાજકારણ જોડાયા બાદ તેણે ઘણા અંગત પ્રહારોનો સામનોકરવો પડ્યો છે જેનાથી તે વધુ મજબૂત થયો છે. તેમના ભાષણ પહેલા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે તેમની ખુબ પ્રશંસા કરી હતી અને તેમની ભવ્ય નેતાગીરી માટે અભિનંદન આપ્યા હતા આ ઉપરાંત તેમણે કોંગ્રેસમાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ પણ અભિનંદન પાઠવ્યા હતા.