Site icon Gujarat Today

જૂનાગઢ જિ.પં. સહિત છ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસના ઉમેદવારો બિનહરીફ જાહેર

(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.ર૦
આજે જૂનાગઢ જિલ્લા પંચાયત અને ૬ તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણીનો તખ્તો ગોઠવાયો હતો. પરંતુ ભારતીય જનતા પાર્ટીનાં કોઈપણ ઉમેદવાર તરફથી ફોર્મ ભરવામાં ન આવતાં કોંગ્રેસનાં સુકાનીઓ બિનહરીફ જાહેર થયા છે. તેઓને અભિનંદની વર્ષા કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લાં કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ હર્ષદભાઈ રીબડિયાના જણાવ્યા અનુસાર સને-ર૦૧પમાં તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાયેલ હતી. તેની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની તા.ર૦/૬/ર૦૧૮નાં રોજ ચૂંટણીની તારીખ જાહેર થઈ હતી. તેમાં ગઈકાલે તા.૧૯/૬/૧૮નાં રોજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોને પ્રમુખ અને ઉપપ્રમુખનાં ફોર્મ ભરવાની તારીખો હતી. ત્યારે ફોર્મ ભરવાનાં દિવસે જ જૂનાગઢની જિલ્લા પંચાયતનાં પ્રમુખ તરીકે સેજાભાઈ વિરાભાઈ કરમટા અને ઉપપ્રમુખ તરીકે ઉમાબેન પ્રવિણભાઈ ચાવડા બીનહરીફ જાહેર થયેલ છે. વધુમાં તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢ જિલ્લાની તાલુકા પંચાયતો મેળવવા મરણિયા પ્રયાસો કર્યા હતા. તેમ છતાં પણ જૂનાગઢની વંથલી, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, ભેંસાણ એમ કુલ-૬ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસ પક્ષ જૂનાગઢ જિલ્લા પંચાયત અને ૬ તાલુકા પંચાયતો મેળવવામાં સફળ રહેલ છે.
જૂનાગઢ જિલ્લા પંચાયતનાં નવનિયુક્ત પ્રમુખ તરીકે સેજાભાઈ વિરાભાઈ કરમટા અને ઉપપ્રમુખ તરીકે ઉમાબેન પ્રવિણભાઈ ચાવડા બિનહરીફ જાહેર થયા હતા. આજરોજ જૂનાગઢ જિલ્લા પંચાયતની ઔપચારિક બેઠક મળી હતી. જેમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી. આ તકે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ હર્ષદભાઈ રીબડિયા, જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જોષી તેમજ મીતાબેન જવાહરભાઈ ચાવડા, ચંદ્રીકાબેન ચુડાસમા તેમજ માજી ધારાસભ્ય હમીરભાઈ, પરબતભાઈ ચાવડા, મેરામભાઈ યાદવ, યુસુફ પટેલ સહિતનાં વરિષ્ઠ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

Exit mobile version