અમદાવાદ,તા.ર૦
ગુજરાત વિધાનસભાની આગામી તા.૯મી ડિસેમ્બરના રોજ યોજાનાર પ્રથમ તબક્કાની બેઠકોની ચંૂટણી માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કચ્છની માંડવી બેઠક માટે વિધાનસભાની કાયદાકીય બાબતોના અભ્યાસુ એવા શકિતસિંહ ગોહિલની પસંદગી કરી છે. ત્યારે તેઓ તા.ર૧મી નવેમ્બર મંગળવારે પોતાના પક્ષના ટેકેદારો તેમજ બહોળા મિત્ર વર્તુળ અને શુભેચ્છકો સાથે સવારે ૧૧.૦૦ કલાકે શાસ્ત્રી મેદાન મુન્દ્રા ખાતે સંમેલનને સંબોધન કર્યા પછી પોતાનું ઉમેદવારીપત્ર ભરવા જશે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં અબડાસા મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરીને કચ્છના પાણી ઘાસચારો સહિતના પ્રાણ પ્રશ્નો વિધાનસભાના ફલક ઉપર રજૂ કરવામાં અને તેને ઉકેલ લાવવામાં સફળ રહેલા શકિતસિંહ ગોહિલને ફરી વખત કચ્છ અને ખાસ કરીને માંડવીની પ્રજાના કલ્યાણના પ્રશ્નો રજૂ કરવાની તક સાંપડી છે તેનો સીધો લાભ કચ્છને મળશે. કચ્છને નર્મદાનું એક મિલિયન એકર ફીટ પાણી માટે તે માટે શકિતસિંહ હંમેશા લડતા રહ્યા છે. ખાસ કરીને માંડવી વિધાનસભા ક્ષેત્ર માટે તેમની પસંદગી થતા આ વિસ્તારને ઘણા વરસો બાદ સુરેશ મહેતા પછી એક શિક્ષિત અનુભવી અને કોઈપણ પ્રશ્નોને ઉંડાણથી સમજી તેનો ઉકેલ લાવવાની સુજ સમજ ધરાવતા પ્રતિનિધિ મળ્યાનો આનંદ આમ સમાજમાં વ્યાપ્યો છે.