ભાવનગરમાં મગફળી કાંડ મામલે જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા

ભાવનગર, તા.૧૩
સમગ્ર ગુજરાત રાજ્યમાં ચકચારી બનેલા મગફળી કૌભાંડ બાબતે અને સાચા કૌભાંડી જવાબદારોની ધરપકડ કરી ખેડૂતોને ન્યાય આપવાની માંગ પૂરી કરવા અને સિટીંગ જજની અધ્યક્ષતામાં તપાસ પંચની નિમણૂક કરવા ગુજરાત પ્રદેશ સમિતિ દ્વારા અપાયેલા ધરણાના કાર્યક્રમના ભાગરૂપે આજે ભાવનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેક્ટર કચેરી સામે બપોરે ૧૧થી ર ધરણા કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ ભાવનગરના એડિશનલ સેશન્સ જજને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી. આ ધરણા કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ-વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ, ધારાસભ્ય કનુભાઈ બારૈયા, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશ જોષી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ સરવૈયા, ભાવનગર મ્યુનિ. વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના પદાધિકારીઓ, હોદ્દેદારો, આગેવાનો, નગરસેવકો, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં તળિયાના ભાવથી મગફળી ગુજરાત સરકારની ગાઈડલાઈનથી ખરીદવામાં આવેલ છે. તેમાં મોટાભાગના કેન્દ્રોમાં ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીમાં માટી, ઢેફાં, કાંકરા ભેળવી ગોડાઉનમાં સ્ટોરેજ કરવામાં આવેલ છે. આવી ઘટનાઓમાં ભાજપના નેતાઓની સીધી સંડોવણી બહાર આવી છે. સરકાર પણ ભાજપના નેતાઓની આવી સંડોવણી ઢાંકપીછાડો કરીને તેમને મદદરૂપ બનવાના પ્રયાસ કરી રહી છે. લગભગ ૪ (ચાર) હજાર કરોડ રૂપિયાના આ કૌભાંડમાં હાઈકોર્ટના સિટીંગ જજની અધ્યક્ષતામાં તપાસ થાય તેવી માંગ કરી ભાવનગર શહેર-જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાવનગરના અધિક જિલ્લા કલેક્ટર ઉમેશ વ્યાસને આવેદનપત્ર પાઠવી ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks