(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨૫
રાફેલ વિમાન સોદા અંગે ભાજપ અને કોંગ્રેસે એક-બીજા પર પ્રહાર કરવાની કોઇ તક ચુકી રહ્યા નથી પછી તે ગૃહમાં હોય કે ગૃહની બહાર. તેના કારણે જ ભાજપ તરફથી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સામે ચાર વિશેષાધિકાર ભંગની નોટિસ આપવામાં આવી છે, ભાજપ તરફથી સાંસદ નિશિકાંત દુબે, અનુરાગ ઠાકુર, દુષ્યંતસિંહ અને પ્રહલાદ જોશીએ રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર ભંગના પ્રસ્તાવની નોટિસ આપી છે. આ મામલામાં મંગળવારે સંસદમાં અનુરાગ ઠાકુરે પોતાની રજૂઆત કરી હતી. જ્યારે કોંગ્રેસ પણ રાફેલ મુદ્દા અંગે કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારીમાં છે. કોંગ્રેસના ૧૦ સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ સામે વિશેષાધિકાર ભંગની નોટિસ આપી છે. આ નોટિસમાંથી પાંચ નોટિસ પીએમ મોદી અને પાંચ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણની વિરૂદ્ધમાં છે. મોદી અને સીતારમણ સામે નોટિસ આપનારા કોંગ્રેસના સભ્યોમાં મલ્લિકાર્જુન ખડગે, વીરપ્પા મોઇલી, કેવી થોમસ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજીવ સાતવનો સમાવેશ થાય છે. આ નોટિસ ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચા દરમિયાન ૨૦મી જુલાઇએ રાફેલ સોદાના મુદ્દા અંગે ગૃહને ગેરમાર્ગે દોરવા અંગે કોંગ્રેસ દ્વારા આપવામાં આવી છે. લોકસભાના અધ્યક્ષે આ મુદ્દા અંગે જણાવ્યું કે પાંચ લોકોએ અલગ-અલગ વડાપ્રધાન સામે અને સંરક્ષણ પ્રધાન સામે વિશેષાધિકાર ભંગની નોટિસ આપી છે. સુમિત્રા મહાજને ઘોંઘાટ વચ્ચે જણાવ્યું કે આ મારા વિચારાધીન છે. અગાઉ, કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ નિયમ ૨૨૨ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે અલગ-અલગ વિશેષાધિકાર ભંગની નોટિસ આપવાની વાત કહી જ્યારે કોંગ્રેસના સભ્ય જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડાપ્રધાન મોદી અને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ સામે વિશેષાધિકાર ભંગની નોટિસ આપવાની વાત કહી.