(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા. ૨૧
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડી લીધા બાદ સાંજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા. ભરતસિંહે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસ પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા નથી. તેમને હાંકી કાઢવામાં આવ્યા હોવાના આક્ષેપ બિલકુલ આધાર વગરના છે. ભરતસિંહે આક્ષેપ કરતા કહ્યું હતું કે, આની પાછળ કોંગ્રેસમાં ભાગલા પાડવાની ભાજપની મેલીમુરાદનો પર્દાફાશ થઇ ગયો છે. ખુબ વહેલી તકે ભાજપની આ ખતરનાક ચાલ અંગે લોકોને જાણ થઇ ગઇ છે જેથી આગામી દિવસોમાં પાર્ટીના કાર્યકરો વધારે ઉત્સાહ સાથે મેદાનમાં ઉતરશે અને ગુજરાતમાં શાનદાર દેખાવ કરવાના પ્રયાસ કરશે. બીજી બાજુ શંકરસિંહ વાઘેલાના આક્ષેપોને ફગાવતા ભરતસિંહે કહ્યું હતું કે, પાર્ટી હાઈકમાન્ડ લોકશાહીની ઢબે ચાલે છે. વિચારધારા ક્યારે પણ પક્ષની વિરુદ્ધમાં હોઈ શકે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેેસ પાર્ટીમાં કોઇપણ પ્રકારની સરમુખ્તાયશાહી નથી. હમેશા મોટી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. તો પછી અવગણનાની વાત કયાંથી આવી ? કોંગ્રેસ જ્યારે ખરાખરીની લડાઈ લડી રહ્યો હોય ત્યારે અંગત મંતવ્યને આગળ ધરી રાજીનામું આપવાનો નિર્ણય કેટલો અંશે વ્યાજબી છે ?
માત્ર ભરતસિંહ સોલંકીએ જ નહીં બલ્કે શક્તિસિંહ અને ગુજરાતના પ્રભારી ગહેલોતે પણ એક સમાન પ્રતિક્રિયા આપી હતી. જો કે, બાપુના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સામે કેવા પગલા લેવામાં આવશે તે અંગે હજુ ભારે સસ્પેન્સની સ્થિતિ દેખાઈ રહી છે પરંતુ મળેલી માહિતી મજુબ કાર્યક્રમમાં ઉપસ્થિત નેતાઓ, હોદ્દેદારો સામે હાઈકમાન્ડ કાર્યવાહી કરશે તેમ મનાય છે.