(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
ગુજરાતના હિન્દુઓએ ૨૦૦૨ માં જે કર્યું તેવું પશ્ચિમ બંગાળના હિન્દુઓએ પણ કરવું જોઈએ તેવા ભાજપના ધારાસભ્ય રાજાસિંહના વિવાદીત બયાન પર વડાપ્રધાન મોદીને ભીંસમાં લેતા કોંગ્રેસે એવું જણાવ્યું કે ભાજપના ધારાસભ્ય ગુજરાત કોમી તોફાનનો ઉલ્લેખ કરીને સાબિત કરી દેખાડ્યું છે કે તે વખતની ગુજરાતની મોદી સરકારે કોમી તોફાનોને વ્યાજબી ઠેરવ્યાં હતા. કોંગ્રેસના નેતા અને પ્રવક્તા મીમ અફઝલે કહ્યું કે ભાજપ પશ્ચિમ બંગાળમાં કોમી તોફાન અને હિંસા ભડકાવી રહ્યું છે. ભાજપનું બંગાળ યુનિટ ટીએમસી સાથે લડાઈ લડી રહ્યું છે. રાજાસિંહની ટીપ્પણી શરમજનક છે. ગુજરાત તોફાનનો ઉલ્લેખ કરીને તેઓ એવું સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે ૨૦૦૨ માં ગુજરાતમાં મોદી સરકારની પજવણી વ્યાજબી હતી. ભાજપનો કોમી એજન્ડા ખુલ્લો પડ્યો છે. આ દર્શાવે છે કે બંગાળમાં કોમી ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મમતા બેનરજીએ સાચું કહી રહ્યાં છે કે અહિંયા ધ્રુવીકરણનો પ્રયાસ થઈ રહ્યો છે. દાર્જિંલિંગ, નોર્થ ૨૪ પરગણા વિસ્તારમાં જે કંઈ પણ બની રહ્યું છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. ભાજપના ધારાસભ્ય રાજાસિંહે એવું કહીને વિવાદ પેદા કર્યો કે આજે બંગાળમાં હિન્દુઓે સલામત નથી. રાજાસિંહે પશ્ચિમ બંગાળમાં વસતા હિન્દુઓ અપીલ કરતાં કહ્યું કે ગુજરાતમાં હિન્દુઓએ ૨૦૦૨ ની સાલમાં જે કર્યું હતું તેમણે પણ તેવું જ કરવું જોઈએ. તેમણે કહ્યું કે, આજે જ્યારે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ સલામત નથી. હિન્દુઓએ બંગાળમાં ગુજરાતવાળી કરવી જોઈએ. અન્યથા ટૂંક સમયમાં બંગાળ બાંગ્લાદેશમાં ફેરવાઈ જશે. રાજાસિંહે કહ્યું હતું કે કોમવાદ ફેલાવી રહેલા લોકોને રાજ્ય સરકાર સમર્થન આપી રહી છે. તેમણે કહ્યું કે હું બંગાળના હિન્દુઓને અપીલ કરૂ છું કે જો તેમણે રાજ્યમાં સલામત અને સુરક્ષિત રહેવું હોય તો તેમણે વધારે સાવધ રહેવું પડશે. તો તમે રાજ્યમાં સુરક્ષા મેળવવામાં નિષ્ફળ રહ્યાં તો તમારે કાશ્મીરમાં હિન્દુઓને જે વેઠવું પડ્યું તેવું વેઠવાનો વારો આવશે. રાજાસિંહના આ બયાન પર વિવાદ પેદા થયો છે.