Site icon Gujarat Today

કોંગ્રેસે ડેમેજ કન્ટ્રોલ કરવા ત્રણ રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતમાં દોડાવ્યા

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૨૩
ગુજરાત કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી બાદ કેટલાક સ્થળોએ સ્થાનિક કોંગ્રેસ સંગઠન અને કાર્યકરોમાં ઉભી થયેલી નારાજગીના વાતાવરણને ખાળવા અને ચૂંટણી પહેલાં ડેમેજ કંટ્રોલની મહત્વની કવાયત હાથ ધરવા કોંગ્રેસ હાઇકમાન્ડે કોંગ્રેસના ત્રણ રાષ્ટ્રીય દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપી છે. કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ગુજરાતમાં ડેમેજ કંટ્રોલ માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અને સિનિયર નેતા બી.કે. હરિપ્રસાદ, મુકુલ વાસનિક અને ગુલામનબી આઝાદને આ મહત્વની જવાબદારી સોંપી છે. આ ત્રણેય દિગ્ગજ નેતાઓ તેમની કવાયતના કામે લાગી ગયા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થયા બાદ પાસના નેતાઓમાં ભારે ઉહાપોહ મચ્યો હતો અને વાત મારામારી અને ગાળાગાળી સુધી પહોંચી હતી, જેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા તો, બીજીબાજુ, અમદાવાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ટિકિટ ફાળવણીને લઇ કોંગ્રેસના સ્થાનિક આગેવાનો-કાર્યકરોમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી. આ પરિસ્થિતિ વધુ વકરે નહી અને ચૂંટણીનો માહોલ શાંતિમય બની રહે તે હેતુથી કોંગ્રેસ હાઇકમાન્ડે સમગ્ર મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક ધોરણે ગુજરાતના આ ક્ષેત્રોમાં ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી છે. આ માટે કોંગી હાઇકમાન્ડ દ્વારા અમદાવાદ માટે કોંગ્રેસના સિનિયર નેતા ગુલામનબી આઝાદ, દક્ષિણ ગુજરાત માટે કોંગ્રેસના અનુભવી નેતા બી.કે.હરિપ્રસાદ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે કોંગ્રેસના અગ્રણી નેતા મુકુલ વાસનિકને મહત્વની જવાબદારી સોંપી છે. આ ત્રણેય રાષ્ટ્રીય નેતાઓને ઉપરોકત વિસ્તારોમાં ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી કોંગ્રેસ તરફી વાતાવરણ પ્રસ્થાપિત કરવા અને ફરીથી કાર્યકરો અને સ્થાનિક આગેવાનોને કોંગ્રેસના પ્રચાર અને ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાવવા માટે કટિબધ્ધ કરવા સૂચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે આ ત્રણેય રાષ્ટ્રીય નેતાઓએ તાત્કાલિક અસરથી અમદાવાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી દીધી છે.

Exit mobile version