કોંગ્રેસે ટેકનિકલ જોગવાઈઓનો અભ્યાસ કરી ધારાસભ્યોને સમયસર વ્હીપ આપ્યો છે

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧
રાજ્યસભાની ત્રીજી સીટ ભાજપ જીતી શકે તેમ ન હોવાથી કોંગ્રેસ પક્ષે નવો વ્હીપ ઈસ્યુ કરવો પડશે એ પ્રકારની ખોટી અફવાઓ શરૂ કરી છે. હકીકત તો એ છે કે વ્હીપ સભ્યોએ શું કરવાનું છે. એ માટે જ આપવાનો હોય છે પરંતુ શું ન કરવું ? એનો વ્હીપ આપવામાં આવતો નથી. આમ ‘નોટા’ના નામથી ખોટી ગેરસમજણ પેદા કરવાનો મિથ્યા પ્રયત્ન ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના મુખ્ય દંડકે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષે તમામ ટેકનિકલ જોગવાઈઓનો અભ્યાસ કરીને કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોને સમયસર વ્હીપ આપેલો છે અને તે મુજબ સ્પષ્ટ છે કે મતદાન કરવા હાજર રહેવું અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અહમદ પટેલની તરફેણમાં એકડો કરીને મત આપવાનો છે. વ્હીપના ભંગ બદલ શું થઈ શકે તેની સંપૂર્ણ માહિતી લેખિત સ્વરૂપે વ્હીપની સાથે જ પૂરી પાડવામાં આવી છે. ‘નોટા’ આવવાથી કોઈ નોટામાં મત આપે એટલે વ્હીપનો ભંગ ન ગણાય તેવી તથ્યવિહીન વાતો હાર ભાળી ગયેલા ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે. એમ જણાવી મુખ્ય દંડકે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષે સંપૂર્ણ રીતે અને પૂરી કાયદાકીય જોગવાઈથી વ્હીપ આપી જ દીધો છે. માટે નવા વ્હીપ અંગેની અફવાઓનું ખંડન કરવામાં આવે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks