(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
ભાજપ નેતા જયંતી ભાનુશાળી ઉપર બળાત્કારનો આક્ષેપ થતા આજે સુરત શહેર કોંગ્રેસે પીડિતાને ન્યાય અપાવવા માટે પો.કમિ. સતીષ શર્માને રજૂઆત કરવા જતાં પોલીસે પ્રમુખ હસમુખ દેસાઈ સહિત કોર્પોરેટરો, કાર્યકરોની અટકાયત કરી ડુમસ પોલીસ મથક તરફ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપના આગેવાન જયંતી ભાનુશાળી ઉપર નાના વરાછાની યુવતીએ બળાત્કારનો આક્ષેપ કરતી પોલીસ અરજી કર્યા બાદ પોલીસ દ્વારા કોઈ ફરિયાદ નહીં નોંધવામાં આવતા આજે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈની આગેવાની હેઠળ કોર્પોરેટરો, કોંગ્રેસી કાર્યકરો પો.કમિ. સતીષ શર્માને રજૂઆત કરવા માટે ધસી ગયા હતા. જેને પગલે પો.કમિશનર કચેરી ખાતે લોખંડી પોલીસ બંદોબસ્ત તૈનાત થઈ ગયો હતો અને રજૂઆત માટે આવેલા કોંગી જનોની અટકાયત કરવામાં આવી હતી. જો કે, મોડી સાંજે સરથાણા પોલીસમાં પીડિતાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.