કોંગ્રેસ કાર્યાલયમાં સામાન્ય કાર્યકરોને હવે સમૂહમાં પ્રવેશ પર પ્રતિબંધ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૭
કોંગ્રેસના યુવા કાર્યકરોએ ગતરોજ પ્રદેશ પ્રમુખની હાજરીમાં જ પ્રદેશ કાર્યાલયમાં કરેલી તોડફોડથી ગિન્નાયેલા પ્રમુખ અમિત ચાવડાએ ગભરાઈ જઈ કોંગ્રેસ ભવનમાં હવે સામાન્ય કાર્યકરોને સમૂહમાં એન્ટ્રી નહીં આપવાનું ફરમાન જારી કર્યું છે. આ ઉપરાંત પ્રદેશ કાર્યાલયમાં મીડિયાના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
યૂથ કોંગ્રેસના કાર્યકરોએ રાજ્યના ૧ર શહેર અને જિલ્લા પ્રમુખોની વરણીનો વિરોધ કરી ગઈકાલે પ્રદેશ કાર્યાલયમાં ભારે હંગામો મચાવી તોડફોડ કરી હતી. આથી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ છોડી જતા રહેવાની ફરજ પડી હતી. ગઈકાલની ઘટના બાદ પાડાના વાંકે પખાલીને ડામ આપતા હોય તેમ પ્રદેશ પ્રમુખે સામાન્ય કાર્યકરોને હવે સમૂહમાં પ્રવેશ કરી આપવાનું ફરમાન જારી કર્યું છે.
દરમ્યાન પ્રદેશ પ્રમુખના આ ‘શાહી ફરમાન’થી અજાણ રાજ્યના વિવિધ શહેર જિલ્લામાંથી કાર્યકરો આજરોજ પ્રદેશ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા પરંતુ તેમને કાર્યાલયમાં પ્રવેશ ન મળતા બહાર તડકામાં ઉભા રહેવાની ફરજ પડી હોવાની ફરિયાદ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળમાં વિધાનસભામાં સામાન્ય જનતાના પ્રવેશ માટે કડક નિયમો લાગુ કરાયા હતા એ અંગે કોંગ્રેસે ભારે વિરોધ નોંધાવ્યો હતો હવે આજે એજ કોંગ્રેસના નેતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સામાન્ય જનતા નહીં પરંતુ પક્ષના જ સામાન્ય કાર્યકર માટે સમૂહમાં પ્રવેશબંધી ફરમાવતા આગામી દિવસોમાં આના ઘેરા પ્રત્યાઘાત પડે તેવી શક્યતા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks