અમદાવાદ, તા.૧૦
ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના અધ્યક્ષ પદે એક વર્ષ પૂર્ણ થયાના સમયે વાઘાણીએ પક્ષનો અને ટોચના નેતાઓ તથા પક્ષના લાખો કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો તથા વાઘાણીએ કોંગ્રેસ પર આકારા પ્રહારો કર્યા હતા તથા આ સાથે ભાજપ પ્રવકતા ભરત પંડ્યાએ પણ રાજ્યસભાની ચૂંટણીમાં અહમદ પટેલની જીત બદલ કોંગ્રેસ પક્ષ અને શક્તિસિંહ પર ‘વાહલા-દવાલા’ના પ્રહારો કર્યા હતા. વધુમાં વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ તેની આંતરિક જૂથબંધી અને વિખવાદને કારણે ભાંગી પડી છે. કોંગ્રેસની બેધારી નીતિઓ ખુલ્લી પડી ગઈ છે. કોંગ્રેસના આગેવાનો જ કોંગ્રેસને ડૂબાડી રહ્યા છે. વાઘાણીએ ગઈકાલના ૪૩ ધારાસભ્યોને જીતાડવા મહેનત કરીશ તેવા અહમદ પટેલના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તેમનું આ નિવેદન જ સ્વયં સ્પષ્ટ કરે છે કે, કોંગ્રેસ માત્ર ૪૩ વિધાનસભા બેઠકો પૂરતી જ મર્યાદિત થઈ ગઈ છે. ભાજપાનું ૧૫૦ બેઠકોનું લક્ષ્ય કોંગ્રેસે આડકતરી રીતે સ્વીકારી લીધું છે. કોંગ્રેસમાં સ્થાનિક કક્ષાથી લઈ રાષ્ટ્રીય કક્ષા સુધી જૂથબંધી-ઝઘડાઓ સ્પષ્ટ દેખાઈ આવે છેે એટલે જ રાહુલ ગાંધીના ઉત્તર ગુજરાતના પ્રવાસમાં અહમદભાઈ જોડાયા નહોતા. કોંગ્રેસનો આંતરકલહ ગુજરાતની પ્રજા જોઈ રહી છે. ગુજરાત ભાજપ પ્રવકતા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નિષ્ફળ, નેતૃત્વ, વેરઝેરની રાજનીતિ અને તિવ્ર જૂથબંધીને કારણે જે ધારાસભ્યો કોંગ્રેસ મુક્ત બન્યા છે. શક્તિસિંહે તેમના પર પૈસાની લાલચના આક્ષેપ કરીને જે તે સમાજના આગેવાનો અને ચૂંટાયેલ પ્રતિનિધિનું અપમાન કર્યું છે. આ કોંગ્રેસ મુક્ત ધારાસભ્યો પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, કોળી સમાજ, ચૌધરી સમાજ અને આદિવાસી સમાજમાંથી સન્માનીય સામાજિક અને રાજકીય આગેવાનો સમાજ અને વર્ગમાંથી આવે છે. આમ દરેક સમાજમાંથી આવેલા તમામ ધારાસભ્યોના તેઓએ કેટલાય મહિનાઓથી સાર્વજનિક રીતે કોંગ્રેસના નેતૃત્વ અને નીતિરીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા. તેના જવાબ આપીને સમાધાન કરવાને બદલે તેમની સાથે સતત અવગણના, અપમાન કરવામાં આવતું હતું. કોંગ્રેસ પોતાના નેતૃત્વની નિષ્ફળતા છુપાવવા આવા સામાજિક અને રાજકીય આગેવાનો પર આક્ષેપ કરે છે તે નિંદનીય છે. પંડ્યાએ જણાવ્યું હતું કે, શક્તિસિંહે માત્ર અહમદ પટેલને વહાલા થવા શંકરસિંહ વાઘેલા જેવા મજબૂત પબ્લિક લીડરને દવલા કર્યા છે તે આગામી સમયમાં આખી કોંગ્રેસને ભારે પડશે.