અમદાવાદ,તા.ર૧
અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ મોંઘવારીના રાક્ષસનું વિસર્જન કરી નવસર્જન ગુજરાતનું સર્જન કરવા મોંઘવારી વિરુધ્ધનું રથ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ઓફિસ ખાતેથી સવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ફલેગ બતાવી પ્રસ્થાન કરાવ્યું આ મોંઘવારી વિરુધ્ધનો રથ સમગ્ર અમદાવાદ શહેરમાં દરેક વિધાનસભામાં ફરશે અને પ્રજાને જાગૃત કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મોંઘવારી રથને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે મોંઘવારીએ માઝા મુકી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રુડ ઓઈલના ભાવો નીચા હોવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા છે. શિક્ષણના વેપારીકરણના કારણે શિક્ષણ મોંઘુ, આરોગ્યની સેવાઓ મોંઘી, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. ખેડૂતો દિનપ્રતિદિન પાયમાલ થઈ રહ્યા છે. પાકના પોષણ ક્ષમ ભાવો મળતા નથી. વીજળી મોંઘી, કોંગ્રેસ પક્ષે કહ્યું પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સામેલ કરો જેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો થાય પરંતુ સરકાર તમામ બાબતોમાં નિષ્ફળ નીવડી છે ત્યારે મોંઘવારીના રાક્ષસનું વિસર્જન કરવા આ મોંઘવારી રથ સમગ્ર અમદાવાદ શહેરમાં ફરશે અને પ્રજાને જાગૃત કરશે નવસર્જન ગુજરાતનું સર્જન કરશે. નવસર્જન ગુજરાતમાં પ્રજાની તમામ તકલીફોનું નિરાકરણ આવશે. ખેડૂતોને પુરતી વીજળી અને પાણી મળશે, સરકારી હોસ્પિટલોના નિર્માણ દ્વારા સસ્તી અને સારી આરોગ્ય સેવાઓ મળશે, સરકારી શાળાઓ ખોલી ઉચ્ચ શિક્ષણ આપવામાં આવશે. યુવાનોને રોજગારી અપાશે, શિક્ષિત બેરોજગારને રોજગાર ના મળે ત્યાં સુધી બેરોજગારી ભથ્થુ અપાશે, પ્રજાની સુખાકારી માટે યોગ્ય પગલા લેવામાં આવશે અને ગુજરાતનો દરેક નાગરિક તણાવમુકત રહે અને ખુશ રહે ગુજરાતના ધ્યેય સાથે નવસર્જન ગુજરાતનું નિર્માણ કરીશું. આજનો આ મોંઘવારી વિરુધ્ધના રથ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિથી પ્રસ્થાન કરી શ્યામલ ચાર રસ્તાથી વેજલપુર વિધાનસભાના વિસ્તારમાં ફરીને લોકોને જાગૃત કર્યા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતન રાવલ, ગુજરાત પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ મૌલિન વૈષ્ણવ, અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કો-ઓર્ડિ. સમિતિના ચેરમેન રાજકુમાર ગુપ્તા, મ્યુનિ. કાઉન્સિલર ઈકબાલ શેખ, સહિત મોટી સંખ્યામાં કાર્યકર ભાઈ-બહેનો રથ સાથે જોડાયા હતા.