(એજન્સી) નવી દિલ્હી, તા.૮
રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના સાંસદ અને પૂર્વ પાર્ટી મહાસચિવ બી.કે.હરિપ્રસાદને ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસે તમામ વિપક્ષોને આ અંગે જાણકારી આપી છે પરંતુ કોંગ્રેસ, ટીડીપી અને આપ તરફથી હજુ સકારાત્મક જવાબ મળ્યો નથી. એનસીપી પ્રમુખ શરદ પવારે હરિપ્રસાદ માટે સમર્થનની માંગ કરતાં મંગળવારે સાંજે ઓડિસાના મુખ્યમંત્રી અને બીજદના અધ્યક્ષ નવીન પટનાયકને ફોન કર્યો હતો પરંતુ તેમણે જણાવ્યું કે, તેઓ નીતિનકુમારને એનડીએના ઉમેદવાર જેડીયુ સાંસદ હરિવંશને સમર્થન આપવાનું વચન આપી ચૂકયા છે. ઉલ્લેખનીય છે કે, જેડીયુ અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે મંગળવારે જ ટીઆરએસ અધ્યક્ષ ચંદ્રશેખર રાવ અને નવીન પટનાયક પાસે સમર્થન માંગ્યું હતું. રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે ૯ ઓગસ્ટના રોજ ચૂંટણી યોજાશે. રાજ્યસભામાં બીજદના ૯ સભ્યો છે. એનડીએ અને યુપીએ બન્નેમાંથી કોઈની પાસે સ્પષ્ટ બહુમતી ન હોવાના કારણે આ ચૂંટણીમાં ક્ષેત્રીય પક્ષોનું સમર્થન મહત્ત્વની ભૂમિકા ભજવશે. હાલ રાજ્યસભામાં ર૪૪ બેઠકો છે. કોઈપણ ઉમેદવારને ઉપસભાપતિ બનવા માટે ૧ર૩ સભ્યોના સમર્થનની જરૂર હશે.