અમદાવાદ, તા.૧૦
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોના નામો નક્કી કરવા માટે દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીના નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં ૭૦ બેઠકો પર ઉમેદવારોના નામની પ્રથમ યાદી ફાઈનલ કરવામાં આવી હોવાની વિગતો સૂત્રો પાસેથી સાંપડી છે. રાહુલ ગાંધી ૧૧મી નવેમ્બરથી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આ પ્રવાસ બાદ ૧પમી નવેમ્બરના રોજ આ યાદીની જાહેરાત કરવામાં આવશે. તેમજ આ વખતે કોંગ્રેસે ૧ર૦થી વધુ બેઠકો જીતવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે જ્યારે બીજી યાદી તૈયાર કરવા માટે ૧૬મી નવેમ્બરના રોજ બેઠક યોજવામાં આવશે તેવી વિગતો સાંપડી છે.
કોંગ્રેસ ઉમેદવારોના નામને આખરી રૂપ આપવા માટે દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષા સોનિયા ગાંધીના નિવાસસ્થાને ગુજરાત ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. જે લગભગ ૪૫ મિનિટ સુધી ચાલી હતી. આ હાઈપ્રોફાઈલ બેઠકમાં ૭૦ ઉમેદવારોના નામોની પસંદગી પર ચર્ચા થઈ અને તે નામોની આખરી યાદી તૈયાર કરવામાં આવી છે. જોકે, હાલ કોઈ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. બેઠક બાદ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, ૧૬ નવેમ્બર પહેલા પ્રથમ યાદી જાહેર કરાશે.
રાજ્યમાં મતદાનની તારીખો નજીક આવી રહીં છે ત્યારે કોંગ્રેસે ચૂંટણીનો આંતરિક સર્વે કરાવ્યો. જેમાં ૧૨૦ જેટલી બેઠકો પર જીત નજર આવી છે ત્યારે ૨૨ વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસને આ વખતે બહુમતી મેળવીને સત્તા મળશે તેવો વિશ્વાસ જાગ્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને અહમદ પટેલને જીતાડવા એડીચોટીનું જેર લગાડવું પડ્યું હતું. ત્યારે જે ધારાસભ્યો પાર્ટીને વફાદાર રહ્યા તેમની ટિકિટ નહીં કપાય તેટલું તો ચોક્કસ છે.