(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
કોંગ્રેસ પ્રમુખ બનવાની તૈયારી કરી રહેલ રાહુલ ગાંધીએ પક્ષના વયોવૃદ્ધ નેતાઓનું મહત્ત્વ વધારી રાજ્યોની ચૂંટણીઓ જીતવા માટે શરૂઆત કરી છે. ર૦૧૪માં પંજાબમાં સામાન્ય ચૂંટણીઓમાં પરાજય બાદ પુનઃ ફરીથી ૭પ વર્ષની વયના કેપ્ટન અમરિન્દરસિંહને મેદાનમાં ઉતારી વિજય મેળવ્યો હતો. તે મુજબ હવે હિમાચલપ્રદેશમાં ૮૩ વર્ષના હાલના મુખ્યમંત્રી વીરભદ્રસિંહને પણ ફરીથી મેદાનમાં ઉતારાયા છે. ૪૭ વર્ષની વયના રાહુલ ગાંધીએ અંતે અનિચ્છાએ પક્ષના વયોવૃદ્ધ નેતાઓની સલાહ માની તેમના દેખાવો પરથી અમરિન્દરસિંહ અને વીરભદ્રસિંહને પક્ષના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. તેમ છતાંય ગુજરાતમાં હજુ કોંગ્રેસને મુખ્યમંત્રી પદ માટે કોઈ જાણીતો ચહેરો મળ્યો નથી. હિમાચલપ્રદેશમાં વીરભદ્રસિંહને મુખ્યમંત્રીના પુનઃ ચહેરા બનાવવાની સાથે પૂર્વ રક્ષામંત્રી જીતેન્દ્રસિંહ કે જેઓ એઆઈસીસીની પેનલના વડા છે. તેમની સાથે ટિકિટ વહેંચણી મુદ્દે પણ સત્તા અપાઈ છે. જ્યારે પ્રદેશ પ્રમુખ સુખવિન્દરસિંઘ સુખુ કે જેમની નિમણૂક રાહુલ ગાંધીએ કરી છે. તેઓ હવે રબર સ્ટેમ્પ પુરવાર થયા છે. સુખુને રાજ્યના નેતાઓનો ટેકો નથી. જ્યારે પક્ષમાં પ્રદેશ કક્ષાએ બળવાની સ્થિતિ સર્જાઈ ત્યારે રાહુલ ગાંધીએ વીરભદ્રને પુનઃ આગળ કર્યા. ર૦૧રમાં વીરભદ્રસિંહે પણ આવી જ ધમકી ઉચ્ચારી હતી. ત્યારબાદ તેઓ ચૂંટણીમાં વિજયી થયા હતા. જ્યારે કેન્દ્રમાં ભાજપ સત્તા પર છે ત્યારે હિમાચલમાં વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓને પુનઃ જીત મેળવવી આસાન નથી. વીરભદ્રસિંહ ભ્રષ્ટાચારના કેસોનો સામનો કરી રહ્યા છે. જે તેમની લોકપ્રિયતા સામે કલંક છે. કોંગ્રેસના હિમાચલના નેતા આશાકુમારીએ કહ્યું કે વીરભદ્રસિંહ સામેના તમામ કેસો બનાવટી છે અમે ફરીથી સત્તા પર આવીશું. ગરીબ વિરોધી ભાજપની નીતિનો અમે જવાબ આપીશું.