કોંગ્રેસને ડૂબતી નાવ સમજી કૂદી જનાર બાપુ સહિતના ધારાસભ્યોને કિનારો જડતો નથી

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૩૧
કોંગ્રેસ મુક્ત ભારત અને કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવા આકાશ પાતાળ એક કરી રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરવાની લ્હાયમાં ભાજપને જ કોંગ્રેસયુક્ત બનાવી રહ્યા હોવાથી તેમના પાસા ઊલટા પડી રહ્યા છે. ખાસ કરીને રાજ્યસભાની ચૂંટણીમાં અહમદભાઈ પટેલને હરાવવા તમામ તાકાત કામો લગાડી છતાં અહમદભાઈ પટેલને ન હરાવી શકનાર અમિત શાહની કહેવાતી ચાણકય નીતિ ત્યારથી જ નિષ્ફળ નિવડી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારબાદ વિધાનસભા કોંગ્રેસને ઉખેડી ફેંકવા પીઢ રાજકારણી શંકરસિંહ વાઘેલાને ઢાલ બનાવી કોંગ્રેસમાંથી રાજીનામું અપાવી ‘જનવિકલ્પ’ નામનો ત્રીજો મોરચો બનાવ્યો પરંતુ તે પણ નિષ્ફળ જતાં અમિત શાહ હવે બાપુથી અંતર જાળવી રહ્યા છે. શંકરસિંહ વાઘેલા, તેમના પુત્ર મહેન્દ્રસિંહ તેમના વેવાઈ બળવંતસિંહ રાજપૂત સહિત ૧૪ ધારાસભ્યોએ ભાજપના ઈશારે કોંગ્રેસને ડૂબતી નાવ સમજી છલાંગ લગાવી તો દીધી પરંતુ હજી સુધી તેઓને કિનારો જડતો નથી. શંકરસિંહ વાઘેલા કોંગ્રેસને અલવિદા કરી જતા રહેતાં રાજકીય પંડિતો અને ખુદ કોંગ્રેસના કાર્યકરો માનતા હતા કે બાપુ વિના કોંગ્રેસ પડી ભાંગશે. પરંતુ ત્યારબાદ ઘટેલી એક પછી એક રાજકીય ઘટનાઓને જોતાં કોંગ્રેસ આજની તારીખ સુધી પડી ભાંગવાને બદલે બધુ મજબૂત બનીને બહાર આવી રહી છે.
આ સમગ્ર બાબતો જોતાં અમિત શાહે શંકરસિંહ પર ખેલેલો જુગાર નિષ્ફળ નિવડ્યો છે. અમિત શાહ એવું માનીને ચાલતા હતા કે શંકરસિંહ કોંગ્રેસ છોડી નવો પક્ષ રચે, જે ભાજપની બી ટીમ તરીકે બજારમાં ઊતરે, આથી ભાજપથી નારાજ થયેલા મતદારો કોંગ્રેસનો હાથ છોડી બાપુનો છેડો પકડશે અને તેમના મોરચાને મત આપશે જેનાથી ભાજપને ફાયદો થશે. આથી આ જ રણનીતિ પર ચાલી બાપુએ અમિત શાહના ઈશારે જનવિકલ્પ નામના ત્રીજા મોરચાની જાહેરાત તો કરી દીધી પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં બાપુને કોંગ્રેસમાં મળતું હતું તેનું દસ ટકા પણ સમર્થન ન મળતાં અમિત શાહ અને બાપુની ચાલ ઊંધી પડી હતી. આથી કહેવાય છે કે અમિત શાહે નાણાં આપવાથી હાથ પાછા ખેંચતાં બાપુને ગાંઠના ખર્ચે તિલક કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આથી બાપુએ ખર્ચમાં કાપ મૂકતાં કાર્યકરો પણ હવે મોંઢું ફેરવી રહ્યા છે. ખુદ તેમના પુત્રનું ભવિષ્ય બાપુએ રગદોળી નાખ્યું હોય તેવી ચર્ચા ઊઠી છે; આથી શંકરસિંહની હાલત ન ઘરના ન ઘાટના જેવી થઈ જતાં ‘જનવિકલ્પ’ હવે માત્ર બેનરો પૂરતી જ સિમિત રહી જશે અને કોંગ્રેસમાં મારું કોઈ સાંભળતું નથી કહી છેડો ફાડનાર શંકરસિંહનું જ હવે કોઈ સાંભળતું નથી તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks