કોંગ્રેસ પાસે મોદીના વિરોધ સિવાય કોઈ મુદ્દો નથી

અમદાવાદ, તા.૨૧
ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાવનગરના ગુલિસ્તા મેદાન ખાતે જંગી જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતની ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી એ બે રાજકીય પાર્ટી વચ્ચેની ચૂંટણી નથી પરંતુ આ ચૂંટણી વંશવાદ, જાતિવાદની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસવાદની ચૂંટણી છે. આ ચૂંટણીમાં વિકાસવાદ વિજયી પામશે અને ગુજરાતની પ્રગતિ માર્ગ વધુને વધુ ખુલશે. તેઓએ જણાવ્યું હતું કે, ચૂંટણીએ મુદ્દા ઉપર લડાવી જોઇએ. કોંગ્રેસ પાસે નરેન્દ્ર મોદીના વિરોધ સિવાયનો કોઇ મુદ્દો નથી. કોંગ્રેસ કયા મુદ્દે ચૂંટણી લડે છે તે સ્પષ્ટ કરે. ભાજપ સર્વાંગિણ વિકાસનો મુદ્દો લઇને ચૂંટણીના મેદાનમાં ઉતરી છે. ભાજપ ગુજરાતના વિકાસનો રથ લઇને નિકળી છે જ્યારે કોંગ્રેસ વિકાસ વિરોધનું વલણ લઇને નિકળી છે. આ ચૂંટણી જાતિવાદ સામે વિકાસવાદ અને વંશવાદ સામે વિકાસવાદનો સંઘર્ષ છે. ભાવનગરની રાષ્ટ્રપ્રેમી જનતાને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે, ભાવનગરનો જબવા એ આખાયે ગુજરાતનો જવાબ છે. ભાવનગરના સૌ પ્રજાજનોને હું વંદન કરી અભિનંદન આપું છું. ગુજરાતમાં ભાજપની સ્થિર સરકારના પરિણામે ૨૪ કલાક વિજળી થકી અંધારા દૂર કર્યા છે, ટેન્કરમુક્ત ગુજરાત કર્યું છે, કર્ફ્યુમુક્ત ગુજરાત કર્યું છે, ગુંડાઓ અને મવાલીઓ મુક્ત ગુજરાત નિર્માણ કર્યું છે. કોંગ્રેસના ૧૦ વર્ષના સોનિયા-મનમોહનના શાસનમાં ગુજરાતને સતત અન્યાય અને અપમાનનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ગુજરાતની જનતાને જવાબ આપવા માટે પડકાર ફેંકતા તેઓએ જણાવ્યું હતું કે, સરદાર પટેલને સતત અન્યાય કેમ કર્યો, સરદાર સરોવર નર્મદા બંધના કાર્યોમાં અવરોધ કેમ કર્યા, ગુજરાતની ધરતી ને તરસી કેમ રાખી, ગુજરાતના પ્રજાજનોને પાણીથી વંચિત કેમ રાખ્યા. ભાજપ સરકારના પરિણામે ગુજરાતના કોંગ્રેસ દ્વારા હંમેશા અન્યાય કરવામાં આવતા મુદ્દાઓનો ઉકેલ આવ્યો છે. તેઓએ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ગુજરાત આવી ગુજરાતને બદનામ કરવાનું બંધ કરવા, ગુજરાતને પર્યટન સેન્ટર ન ગણવા અને ગુજરાતની મુલાકાતે આવે ત્યારે ગુજરાતના પ્રશ્નોના જવાબ આપવાની તૈયારી સાથે આવવાની અપીલ કરી છે. પી ચિદમ્બરમ કાશ્મીરને આઝાદી આપવાની વાત કરી દેશની એકતા અને અખંડિતતા સામે પ્રશ્નાર્થ કરે છે તેનો પણ જવાબ કોંગ્રેસના રાહુલ ગાંધીએ આપવો જોઇએ. શશી થરુર અને ચિદમ્બરમ રોહીંગિયા ઘુષણખોરોને દેશમાં સ્થાન આપવાની વાત કરે છે અને દેશની સુરક્ષા સાથે સંકળાયેલી બાબતને સાહજીક લે છે ત્યારે રોહિગ્યા મુસલમાનોના મુદ્દે કોંગ્રેસનું શું વલણ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts