(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩
વર્ષોથી ભાજપની સાથે રહેલા પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી ભાજપથી નારાજ થયેલા પાટીદારોને પોતાની તરફેણમાં કરવા કોંગ્રેસ દ્વારા જોરદાર પ્રયાસો હાથ ધરાયા છે. તે સંદર્ભે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો સફાયો કરવા કોંગ્રેસ ૪૦થી વધુ પાટીદારોને ટિકિટ ફાળવે તેવી શક્યતા છે. જો કે આ ટિકિટોની ફાળવણી જે તે વિસ્તારના સર્વમાન્ય અને લોકપ્રિય ઉમેદવારને જ આપવામાં આવશે. જેથી ભાજપને બરાબર ટક્કર આપી શકે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં ધામા નાંખ્યા છે. આજે દિલ્હીમાં સ્ક્રીનીંગ કમિટીની મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં રાજયસભાના સાંસદ અહમદ પટેલ, ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ચૂંટણીલક્ષી મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી અને કેટલાક અગત્યના નિર્ણયો પણ લેવાયા હતા. જે મુજબ, આગામી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં પાટીદાર ફેકટર બહુ મહત્વનું હોઇ કોંગ્રેસ પાટીદારોને મુકતમને ટિકિટ ફાળવે તેવું મનાય છે. બીજીબાજુ, રાજ્યસભાની ચૂંટણી વખતે વફાદારી રાખનાર કોંગ્રેસના ૪૩ ધારાસભ્યોને રિપીટ કરવાનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે. જો કે, કેટલાક ધારાસભ્યોની બેઠક બદલાવાની શકયતા સેવાઇ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ ચાલુ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ભરતસિંહ સોલંકી, મોહનસિંહ રાઠવા સહિતના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે અને સ્ક્રીનીંગ કમિટીના અધ્યક્ષ બાલાસાહેબ થોરાટના વડપણ હેઠળ મળેલી બેઠકમાં ઉમેદવારોના નામોને લઇ મહત્વની ચર્ચા થઇ હતી. જેમાં અડધી વિધાનસભા બેઠકો પરના નામો લગભગ નક્કી કરી દેવાયા છે. જો કે, તેના નામો અધિકૃત રીતે જાહેર નહી કરાય અને ઉમેદવારોને ખાનગીમાં કહી દેવાશે કે જેથી તેઓ તેમના વિસ્તારમાં ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી દે. ઉપરાંત આ વખતે પાટીદારોના ૪૦થી ૪૫ ઉમેદવારોને ટિકિટની લ્હાણી કરાય તેવી શકયતા છે. કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લામાં એક મહિલાને ટિકિટ ફાળવવાનું પણ આયોજન છે કે જેથી મહિલા મતદારોને આકર્ષી શકાય. બેઠકમાં કોંગ્રેસપક્ષને થયેલા નુકસાનના ડેમેજ કંટ્રોલ માટે પણ ચોક્કસ જવાબદારી સ્થાનિક નેતાઓને સોંપવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય નેતાઓની ભૂમિકા પણ મદદગાર સાબિત થશે. પક્ષ વિરોધી કોઇપણ પ્રકારની પ્રવૃત્તિ આચરનારને કોઇપણ સંજોગોમાં માફી નહી બક્ષાય તે પણ કોંગ્રેસ મોવડીમંડળે સાફ કરી દીધું છે અને તેથી બેઠકમાં તે મુદ્દે પણ સ્પષ્ટ તાકીદ કરી દેવાઇ હતી.