નવીદિલ્હી,તા. ૨૪
રાઇટ ટુ પ્રાયવસી અથવા તો અંગતતાના અધિકારના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાનું કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે પણ સ્વાગત કર્યું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદ યોજીને સ્પષ્ટતા કરી હતી કે, સરકાર લોકોના પ્રાઇવેટ ડેટાની સુરક્ષા માટે કટિબદ્ધ છે. તેમણે એમ પણ કહ્યંું હતું કે, આધાર કાર્ડમાં બાયોમેટ્રિક ડેટાનો ઉલ્લેખ છે પરંતુ આ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ડેટાની સુરક્ષા માટે સરકારે કાયદાકીય ઉપાય પણ કર્યા છે. પ્રસાદે કહ્યું હતું કે, યુપીએની અગાઉની સરકારે આધારને કાયદાકીય સુરક્ષા પણ ઉપલબ્ધ કરાવી ન હતી. કાયદામંત્રીએ કહ્યું હતું કે, સરકાર નક્કરપણે માને છે અને ખાસ કરીને આધારને લઇને માને છે કે, રાઇટ ટુ પ્રાયવસી ફન્ડામેન્ટલ રાઇટ અથવા તો મૌલિક અધિકાર હોવા જોઇએ. કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સંપૂર્ણપણે સન્માન કરે છે. તેમણે કહ્યું હતું કે જ્યારે આધાર એક્ટને અરુણ જેટલીએ રાજ્યસભામાં રજૂ કર્યું ત્યારે પણ તેમણે કહ્યું હતું કે, અમે રાઇટ ટુ પ્રાયવસીને ફન્ડામેન્ટલ રાઇટની જેમ માની રહ્યા છે. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર ઉપર પ્રહાર કરતા પ્રસાદે કહ્યું હતું કે, યુપીએના શાસનકાળમાં આધારને કોઇ પણ પ્રકારની કાયદાકીય સુરક્ષા આપવામાં આવી ન હતી. તેમણે કહ્યું હતું કે, અમે આધાર કાયદો બનાવી ચુક્યા છે. જે ડેટા માટે કાયદાકીય સુરક્ષા ઉપલબ્ધ કરાવે છે. પ્રસાદે એમ પણ કહ્યું હતું કે, જો કોઇ વ્યક્તિ ડેટાનો દુરુપયોગ કરે છે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રસાદે એમ પણ કહ્યું હતું કે, રાઇટ ટુ પ્રાયવસી મૂળભૂત અધિકાર છે પરંતુ આ સંપૂર્ણ નથી બલ્કે તેના ઉપર અર્થપૂર્ણ રીતે પ્રતિબંધ મુકી શકાય છે.