(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.પ
પાટીદાર અગ્રણી હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન મુદ્દે સરકાર કોઈ કદમ ઉઠાવતી નથી કે કોઈ વાત સુદ્ધાં કરતી નથી અને બીજી તરફ આ આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવી કોંગ્રેસ ઉપર જ પ્રહારો કરી રહી છે. આજે ફરીવાર રાજ્ય સરકારના મંત્રીએ કોંગ્રેસ ઉપર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, પાટીદારોને અનામત કઈ રીતે આપી શકાય તેની કોંગ્રેસ સ્પષ્ટતા કરે. તેમણે પાટીદારો માટે સરકારના દ્વાર ખુલ્લા હોવાનું જણાવ્યું હતું.
અનામત મુદ્દે ભાજપ સરકારે ફરી એક વખત આંદોલન પાછળ કોંગ્રેસ જ હોવાનું જણાવી તેની ઝાટકણી કાઢી છે. કેબિનેટમંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે કોંગ્રેસ અનામત મુદ્દે બેવડું વલણ અપનાવે છે. કોંગ્રેસ જણાવે કે પાટીદારોને અનામત કઇ રીતે આપી શકાય. તેમણે વધુમાં કહ્યું કે ભાજપ સરકારે બજેટમાં ખેડૂતો માટે ૩૦ હજાર કરોડની જોગવાઇ કરી છે. કોંગ્રેસે ખેડૂતોના હિતની વાત કરતા પહેલા પોતાનો ભૂતકાળ યાદ કરવો જોઇએ તેમ સૌરભ પટેલે જણાવતા પાટીદારો મુદ્દે ઉમેર્યું હતું કે, પાટીદાર આગેવાનો સરકાર સમક્ષ આવે તો અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે.
તો બીજી તરફ એ પણ સવાલ છે કે જ્યારે ઉપવાસ આંદોલન હાર્દિક પટેલ કરી રહ્યો છે તો વારંવાર સરકાર મીડિયા સામે આવીને કોંગ્રેસ પર કેમ પ્રહાર કરી રહી છે. જો કે હાર્દિકના પક્ષે અને કોંગ્રેસના પક્ષેથી પણ જ્યારે સ્પષ્ટ જાહેરાત થઈ ચૂકી છે કે સમગ્ર આંદોલન કોંગ્રેસ પ્રેરીત નથી. ત્યારે સરકાર હાર્દિકના આંદોલન મુદ્દે કંઈ કરવાથી કે નિવેદન આપવાથી અળગી રહી છે. અને છેલ્લા બે દિવસથી મીડિયા સામે સરકાર હાર્દિકના ઉપવાસના બદલે કોંગ્રેસને નિશાનો બનાવી રહી છે. જો કે આ વાત એટલા માટે સ્પષ્ટ થવી જરૂરી છે કે આંદોલન હાર્દિકનું છે. અને તમામ માગણીઓ પણ હાર્દિકની છે. જેનો જવાબ હાર્દિકે સરકાર પાસેથી માગ્યો છે.