કોંગ્રેસ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ઓક્ટોબરના અંત સુધીમાં પૂર્ણ કરશે

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા. ૬
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કોંગ્રેસે તેજ બનાવી છે. રાહુલ ગાંધીની તાજેતરના અમદાવાદમાં સંવાદ કાર્યક્રમમાં હાજરી બાદ કોંગ્રેસમાં કાર્યકરોમાં જોમ અને જુસ્સો વધ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીએ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા તેજ બનાવી ઓક્ટોબરના અંત સુધીમાં ઉમેદવારોની પસંદગી અને ટિકિટ ફાળવણીની પ્રક્રિયા પુર્ણ કરાય તેવી પૂરી શક્યતા છે. જો કે ઉમેદવારોના નામો છેલ્લી ઘડી સુધી ગુપ્ત રાખવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેના વફાદાર ૪૩ ધારાસભ્યોને રિપીટ કરે અને તેમને ફરીથી ટિકિટ ફાળવે તેવી પૂરી શકયતા છે, જયારે બાકીના ૧૩૯ ઉમેદવારોની પસંદગી અને ટિકિટ ફાળવણી માટે પક્ષના નેતાઓ લોકોનો જુવાળ, ઉમેદવારોની લોકપ્રિયતા, તેમની જીતની સંભાવનાઓ સહિતના પાસાઓ ધ્યાનમાં લીધા બાદ નિર્ણય લેશે. રાજયસભાની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં કોંગ્રેસના વિજય અને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની તાજેતરની અમદાવાદ મુલાકાતના સફળ કાર્યક્રમ બાદ કોંગ્રેસમાં એક નવા ઉત્સાહ અને ઉર્જાનો સંચાર થયો છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓથી માંડી બુનિયાદી પાયાનો કાર્યકર એક નવા જોશ સાથે આ વખતની ચૂંટણીમાં કાર્યરત બનવા તત્પર થયો છે. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ૧૨૫ પ્લસ બેઠકો હાંસલ કરવા કોંગ્રેસ જબરદસ્ત પ્લાનીંગ અને રણનીતિ ઘડી છે. તેના ભાગરૂપે આ વખતે ઉમેદવારોની પસંદગી અને ટિકિટ ફાળવણીમાં કોંગ્રેસે કોઇપણ કચાશ કે કમી રાખવા માંગતી નથી. કોંગ્રેસે જે તે વિધાનસભા મતક્ષેત્રની બુથ યાદી, ફોર્મ સહિતની વિગતો એકત્ર કરવાનું શરૂ કરી દીધું છે. ઉમેદવારોની દાવેદારી, ટિકિટની માંગણી સહિતની માહિતી વિધાનસભા મતવિસ્તાર દીઠ અને ઝોનવાઇઝ મોકલી તેની પર ચર્ચા અને સ્ક્રુટીની હાથ ધરી તેની પેનલો બનાવી સીલબંધ કવરમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સુધી પહોંચતી કરવાની પ્રક્રિયા પણ તેજ બનાવાઇ છે. પેનલોના નામ સહિતની માહિતી દિલ્હી હાઇકમાન્ડને મોકલાશે અને પુખ્ત વિચારણાના અંતે ચૂંટણીમાં જીતી શકે તેવા ઉમેદવારોના નામો પર આખરી મંજૂરીની મ્હોર મારવામાં આવશે. જો કે, કોંગ્રેસે આ વખતે ઉમેદવારોના નામો ગુપ્ત રાખવાની રણનીતિ અપનાવી છે કે જેથી ઉમેદવારોના નામોમાં છેલ્લી ઘડીયે કોઇ ફેરફાર થાય તો તે પ્રમાણે અમલ કરી શકાય. દરમ્યાન કોંગ્રેસ તેના જે હાલના ચાલુ અને વફાદાર ધારાસભ્યો છે, તેમાં કોઇ ફેરફાર કરવા માંગતી નથી અને તેથી તેઓને રિપીટ કરી ચૂંટણીજંગમાં ફરી ઉતારે તેવી પૂરી શકયતા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks