કોંગ્રેસના દસ ધારાસભ્યો છેડો ફાડે તો પણ અહમદ પટેલની જીત નક્કી

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૭
કોંગ્રેસના ધારાસભ્ય અને અહમદભાઈ પટેલના અત્યંત વિશ્વાસુ બલવંતસિંહ રાજપૂત સહિત ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપી ભાજપનો ખેસ ધારણ કર્યો છે ત્યારે આ ધારાસભ્યોએ અહમદભાઈ પટેલ સાથે અને તેમના મત વિસ્તારના મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલની પરિસ્થિતિમાં કોંગ્રેસના ૭થી ૧૦ ધારાસભ્યો છેડો ફાડે તો પણ રાજ્યસભામાં જીત મેળવવા અહમદ પટેલને કોઈ તકલીફ પડે તેમ નથી. કોંગ્રેસના એક વિશ્વાસુ આગેવાનના જણાવ્યા મુજબ કોંગ્રેસ પક્ષના નિશાન સાથે ઊભા રહેલા ઉમેદવારને મતદારો તેમની વ્યક્તિગત ઓળખ કરતાં પક્ષ તરીકે ઓળખી મત આપતા હોય છે. આથી જે મતદારોએ કોંગ્રેસના ઉમેદવાર સમજી મત આપ્યા હોય અને તેઓ જ પક્ષ સાથે દગો કરી ભાજપમાં જોડાઈ જાય તો તે સીધો મતદારો સાથે જ વિશ્વાસઘાત ગણાય. આથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોને જો ભાજપમાંથી ટિકિટ મળે તો આવા લોકોને મતદારોએ ઓળખી લેવા જોઈએ. બીજી તરફ ભાજપ ગુજરાતને કોંગ્રેસ મુક્ત બનાવવાની વાતો કરી રહ્યું છે પરંતુ પ્રજા ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરી શકે તેમ ન હોવાથી ગંદી રાજરમત રમી શામ-દામ-દંડ અને ભેદની નીતિ અપનાવી કોંગ્રેસના આગેવાનો અને નેતાઓને ફોડી ભાજપમાં ખેંચી રહ્યો છે. રાજ્યસભાની ચૂંટણીની વાત કરીએ તો અહમદભાઈ પટેલને જીતવા ૪૬ મતો જોઈએ. કોંગ્રેસ પાસે પ૭ ધારાસભ્યોમાંથી દસ ધારાસભ્યો ગાબડું પાડે તો પણ ૪૭ ધારાસભ્યો બાકી રહે અને એનસીપીના તથા જનતા દળ(યુ)ના એક ધારાસભ્યે કોંગ્રેસને ટેકો જાહેર કરતાં પ૦ ધારાસભ્યોનો મત અહમદભાઈ પટેલને મળે તેવી પૂરી શક્યતા છે.

મને કોઈ ઓળખતું નહોતું ત્યારે કોંગ્રેસે ટિકિટ આપી હતી, હું દગો નહીં કરૂં

કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ બુધવારે રાજીનામા આપ્યા બાદ કોંગ્રેસમાં જોડાતાં ગુજરાતમાં રાજકીય ભૂકંપ આવ્યો હતો. ત્યારે પ્રાંતિજના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા હોવાની અટકળો વહેતી થઈ હતી ત્યારે મહેન્દ્રસિંહ બારૈયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે મને કોઈ ઓળખતું ન હતું ત્યારે કોંગ્રેસે મને ટિકિટ આપી હતી. એટલે કોંગ્રેસનો એ અહેસાન હું કદી ભૂલી શકું નહીં. કોંગ્રેસ સાથે કોઈ દિવસ દગો કરીશ નહીં. હું કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો નથી. મારા રાજીનામાની વાતો અફવા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલ બનાસકાંઠામાં પૂરની સ્થિતિમાં કોંગ્રેસના કાર્યકરો સાથે મળીને હાલ રાહત કામગીરીમાં જોડાયો છું એમ ધારાસભ્ય બારૈયાએ જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks