
(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૮
કોંગ્રેસના છ ધારાસભ્યોએ કોંગ્રેસને અલવિદા કરતા હાઈકમાન્ડ ચિંતામાં ગરકાવ થઈ ગયેલ છે અને ભાજપની ગંદી રાજરમતને અટકાવી રાજ્યસભાની ચૂંટણી અગાઉ વધુ કાંગરા ખરતા અટકાવવા અને રાજ્યસભાના સાંસદ તરીકે અહમદ પટેલને જીતાડવા નક્કી કરેલી રણનીતિના ભાગરૂપે કોંગ્રેસના ૪૫ જેટલા ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણી સુધી બેંગ્લુરૂ લઈ ખાસ પ્લેન અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થયું હતું. કોંગ્રેસના ધારાસભ્યો પુનાભાઈ ગામીત, મંગળભાઈ ગાવિત, ઈશ્વર પટેલે આક્ષેપ કર્યો હતો કે, ભાજપ દ્વારા પોલીસ, કલેક્ટર અને ભાજપના નેતાઓ દ્વારા તેમના પર કોંગ્રેસ છોડવા અને ભાજપમાં જોડાવવા દબાણ ઊભું કરાતું હતું અને કરોડો રૂપિયાની અને ટિકિટ આપવાની ઓફર કરી હતી. પરંતુ અમારા પર વિશ્વાસ રાખી કોંગ્રેસે ટિકિટ આપી હોવાથી અને ભાજપની ઓફર ઠૂકરાવી હતી. દરમિયાન કોંગ્રેસના વધુ ધારાસભ્યોને ભાજપ દબાણમાં લાવે એ પહેલાં કોંગ્રેસે રણનીતિના ભાગરૂપે તમામ ધારાસભ્યોને રાજસભાની ચૂંટણી અગાઉ ગુજરાત બહાર લઈ જવાનું નક્કી કર્યું હતું. આથી મધ્યગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોની જે તે વિસ્તારમાં મીટિંગ બોલાવી તેમને માહિતગાર કર્યા હતા અને રાત્રે તમામને લઈને એરપોર્ટ નજીકની એક હોટલમાં રોકાણ આપ્યું હતું ત્યારબાદ ૧૦ઃ૪૫ વાગ્યાના સુમારે તમામ ધારાસભ્યોને લઈને કોંગ્રેસના પદાધિકારીઓ બેંગ્લુરૂ જવા રવાના થયા હતા. આ તમામ ધારાસભ્યોને એક સપ્તાહ સુધી ગુજરાત બહાર રાખવામાં આવશે અને રાજ્યસભાની ૮ ઓગસ્ટે યોજાનારી ચૂંટણી અગાઉ તેમને ગુજરાત પરત લવાશે.