કોંગ્રેસના બાગી ધારાસભ્યો હવે ભાજપના ખોળામાં બેસશે

અમદાવાદ, તા.ર૧
રાજ્યસભામાં ગુજરાતની ત્રણ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. આ અંગે મુખ્યમંત્રીએ સમર્થન આપતા મીડિયાને કહ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરો આગામી દિવસોમાં ભાજપમાં જોડાશે. કોંગ્રેસ સાથેનો છેડો ફાડીને બેઠેલા બળવાખોર ધારાસભ્યો હવે આગામી દિવસોમાં ભાજપમાં સત્તાવાર રીતે જોડાઇ જશે. કોંગ્રેસમાંથી છેડો ફાડીને આવેલા ધારાસભ્યોને આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના મહાનુભાવોની હાજરીમાં ભાજપમાં વિધિવત્‌ રીતે આવકારી સામેલ કરાશે અને ભાજપનો કેસરિયો ખેસ પહેરાવાશે. સૌપ્રથમ તા.૨૩મીએ જામનગર ખાતેના કાર્યક્રમમાં બળવાખોર રાઘવજી પટેલ અને હકુભા જાડેજા અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે. રાજકોટ આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે સ્પષ્ટ કર્યું હતું કે, કોંગ્રેસનો સાથ છોડી દેનારા તમામ ધારાસભ્યોને ભાજપ પ્રેમ અને આદર સાથે પક્ષમાં સમાવશે. વિવિધ કાર્યક્રમો મારફતે કોંગ્રેસમાંથી આવેલા આ ધારાસભ્યોની સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાશે. આ જ પ્રકારે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્ય અમિત ચૌધરી આવતા સોમવારે માણસા ખાતે પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવી શકયતા છે. તદુપરાંત, કોંગ્રેસના બાગી ધારાસભ્યો ભોળાભાઇ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વાઘેલા, સી.કે.રાઉલજી અને કરમશી પટેલ પણ આગામી દિવસોના કાર્યક્રમો નક્કી થાય તે મુજબ ભાજપમાં જોડાશે. દરમ્યાન મુખ્યમંત્રીએ કોંગ્રેસના ધારાસભ્યોની દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથેની મુલાકાતને હાસ્યાસ્પદ ગણાવી હતી અને જણાવ્યું હતું કે, ધારાસભ્યોને બેરીકેડમાં ઉભા રહેવું પડયું તે જ દર્શાવે છે કે, કોંગ્રેસને તેમના ધારાસભ્યો પર વિશ્વાસ નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks