(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૮
કેન્દ્રીય ચૂંટણી પંચે કોંગ્રેસના બળવાખોર બે ધારાસભ્યના મત રદ કરવાનો આદેશ કરતા ચૂંટણીનું ચિત્ર બદલાઈ ગયું હતું. અત્યાર સુધી ૧૭૬ ધારાસભ્યોની ગણતરીમાં લઈ જે આંકડાકીય ગણિત મંડાતું હતું તે હવે ૧૭૪ ધારાસભ્યોને લઈ ગણતરી જોડાશે. પરિણામે અહમદ પટેલને જીતવા માટે ૪૪ ધારાસભ્યોની ગણતરી મંડાતી હતી તે હવે ૪૬.પના હિસાબે ગણિત મંડાશે. કોંગ્રેસના બે બળવાખોર ધારાસભ્યોના મત રદ ન થયા હોત તો પણ કોંગ્રેસના આગેવાનો દ્વારા અહમદ પટેલની જીત નિશ્ચિત હોવાનું જણાવાતું હતું કારણ કે અહમદ પટેલને જીત માટે ૪૪ મતની જરૂર હતી. જે તેના ૪૩ ધારાસભ્યોએ તેમની તરફેણમાં મતદાન કરી જીત પાકી કરી હતી. આ ઉપરાંત એનસીપીનો એક, જેડીયુનો એક મત પણ અહમદ પટેલની તરફેણમાં આપ્યો હોવાના તેમના ધારાસભ્યના દાવા બાદ અહમદ પટેલને ૪પ મત ચોખ્ખા મળતા હોવાથી ચૂંટણીપંચના બે બળવાખોર ધારાસભ્યોના મત રદ કરવાના આદેશ પહેલાં જ કોંગ્રેસ દ્વારા જીતનું ગણિત મંડાતું હતું. પરંતુ બે ધારાસભ્યોના મત રદ કરાતાં જ અહમદ પટેલ સહિત ભાજપના ત્રણે સભ્યોને જોઈતા મતની સંખ્યામાં અડધા ટકાનો ઘટાડો થયો હતો. પરિણામે અહમદ પટેલની જીત નિશ્ચિત બની હતી છતાં મોડી રાત્રીના દોઢ વાગ્યા સુધી મત ગણતરી શરૂ થઈ ન હોવાથી ખરેખર ચિત્ર મતગણતરી બાદ જ સ્પષ્ટ થશે.
મતગણતરી અટકાવવાનું કોઈ કારણ નથી : ચૂંટણી પંચ
ચૂંટણી પંચે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોના બે મત રદ કરવાનો નિર્ણય કર્યા બાદ મતગણતરીના આદેશ આપ્યા છતાં મતગણતરી શરૂ કરાઈ ન હતી. ત્યારે આ મામલે ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપી હતી કે ભાજપની કોઈ ફરિયાદ મળી નથી. એટલે મતગણતરી અટકાવવાનું કોઈ કારણ નથી.