(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૮
ગુજરાત કોંગ્રેસના એક પછી એક સાત ધારાસભ્યોએ કોંગ્રેસને અલવિદા કરતા કોંગ્રેસના આગેવાનોએ ભાજપ સરકારના શાસનમાં આઝાદી બાદ ભારતની લોકશાહી સૌથી ખતરનાક તબક્કામાંથી પસાર થઈ રહી હોવાનું જણાવી આક્ષેપ કર્યો હતો કે ભાજપ દ્વારા કરોડો રૂપિયાની લાંચ આપી ધનબળ, બાહુબળ અને સત્તાબળનો દુરૂપયોગ કરી પ્રજાએ આપેલા જનમતના ખુલ્લેઆમ લીરેલીરાં ઉડાડી રહ્યા છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મીડિયા ઈન્ચાર્જ રણદીપસિંહ સુરજેવાલા, રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય પુના ગામિત, મંગલ ગાવિત, ઈશ્વર પટેલ, આનંદ ચૌધરીએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે “આયારામ-ગયારામ”, તોડફોડ, હેર-ફેર અને જનમતની લૂંટ એ જ ભાજપની ચાલ, ચહેરો અને ચરિત્ર બની ગયો છે. લોકશાહીની ખુલ્લેઆમ હત્યા અને નિલામી સામાન્ય વાત બની ગઈ છે. ગોરા અંગ્રેજોની નીતિ હતી કે, “ભાગલા પાડો અને રાજ કરો” આજના ભાજપના કાળા અંગ્રેજોની નીતિ છે કે “ભાગલા પાડો, અહંકારને પોષો, જનમતને લૂંટો અને રાજ કરો” ભાજપનું લક્ષ્ય એ જ છે કે સત્તાનો મરજી મુજબ ઉપયોગ કરવો, પછી ભલે પ્રજાતંત્રને બેહાલ થઈ જાય. દુર્ભાગ્ય એ છે કે પાંખડીઓ અને સત્તાના વેપારીઓ દ્વારા લોકતંત્રની હત્યા થઈ રહી છે. એ ખરાબ પ્રકારનું કૃત્ય મહાત્મા ગાંધીની પવિત્ર ભૂમિ ગુજરાતમાં ભાજપ આચરી રહી છે. ભાજપ પાસે બે સીટ જીતી શકાય એટલો જનમત છે છતાં ધનબળ, બાહુબળ, સત્તાબળનું સૌથી અનૈતિક રાજકીય ષડયંત્ર ગાંધીજીની ભૂમિ પર રચાઈ રહ્યું છે અને એ પણ જ્યારે ૯મી ઓગસ્ટે દેશમાં મહાત્મા ગાંધીની ભારત છોડોના આંદોલનની ૭પમી જયંતિ ઉજવશે. સત્તાની ભૂખે ભાજપના સત્તાધિશોને એ હદે આંધળા બનાવી દીધા છે કે કોંગ્રેસના ધારાસભ્યોને કરોડો રૂપિયાની લાંચ અને આગામી ચૂંટણીમાં ટિકિટની લાલચ આપી રહ્યા છે. ધારાસભ્યોને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરાવવાની અને નિષ્ઠા બદલીને પક્ષાતરની કવાયત કરવામાં આવી રહી છે. પુનાભાઈ ગામિત જે અનુસૂચિત જનજાતિના વિસ્તારમાંથી સતત ત્રીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. એમને બળજબરીપૂર્વક અટકાવીને ૧૦ કરોડની લાંચ આપવાનો પ્રયાસ ભાજપ તરફથી કરાયો. એ જ રીતે મંગલભાઈ ગાવિત તથા ઈશ્વરભાઈ પટેલ સાથે ઉપયોગ કરાયો પરંતુ ધારાસભ્યોની બહાદુરી અને ઈમાનદારીનું પ્રમાણ છે કે ષડયંત્રકારી એમના ઈમાનને રતિભાર પણ ડગાવી શક્યા નથી. તેઓએ માગણી કરી છે કે ભારતનું ચૂંટણીપંચ આ મામલાને ધ્યાને લે અને તાત્કાલિક યોગ્ય કાનૂનિ કાર્યવાહી કરે અને ફોજદારી ફરિયાદ દાખલ કરે. અમે એ પણ માગ કરીએ છીએ કે અમિત શાહ અને વિજય રૂપાણી ગુજરાત અને દેશની જનતાને જવાબ આપે.