(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૮
કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ગુરૂવારે કોંગ્રેસમાંથી રાજીનામા આપી ભાજપમાં જોડાયાના બીજા જ દિવસે વધુ ત્રણ ધારાસભ્યોએ આજરોજ કોંગ્રેસ છોડતા કોંગ્રેસમાં ભૂકંપ બાદ ભૂકંપ સર્જાઈ રહ્યા છે. રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલને કોઈપણ ભોગે પરાશ્ત કરવા અમિત શાહે આપેલી સોપારી શંકરસિંહ વાઘેલા ફોડી રહ્યા છે અને પોતાનો અહ્મ પોષવા અન્ય ધારાસભ્યોની રાજકીય કારકિર્દી સાથે ગંભીર રમત રમી રહ્યા છે. ગઈકાલે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો બલવંતસિંહ રાજપૂત, તેજશ્રીબેન પટેલ અને પીઆઈ પટેલે કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કમળ ઝીલ્યા બાદ આજ વધુ ત્રણ ધારાસભ્યો ઠાસરાના રામસિંહ પરમાર, વાંસદાના ધારાસભ્ય છના ચૌધરી અને બાલાસિનોરના માનસિંહ ચૌહાણે કોંગ્રેસને અલવિદા કરી હતી. તેઓ ભાજપનો પાલવ પકડે તેવી શક્યતા છે. હજી જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલ અને ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી સહિતના કેટલાક ધારાસભ્યો પણ ગમે ત્યારે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી શકે છે. કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ રહ્યાની ઘટનાથી કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતની પ્રદેશ નેતાગિરી સામે લાલઘૂમ છે. કારણ કે ખાતરી આપ્યા બાદ પણ પ્રદેશ નેતાગીરી ડેમેજ કંટ્રોલ કરવામાં ઉણી ઉતરી છે અથવા એમ કહો કે ઊંઘતી ઝડપાઈ ગઈ છે. આથી હાઈકમાન્ડે સખત નારાજગી જાહેર કરી છે. એક પછી એક ઝટકા બાદ ગઈકાલે અમદાવાદથી પરત ફરેલા કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતને પુનઃ અમદાવાદ આવવું પડ્યું છે અને ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળી કોંગ્રેસને વધુ તૂટતી બનાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. કોંગ્રેસ પ્રભારીના માથે હવે વધુ ધારાસભ્યોને ભાજપમાં જતા અટકાવવાની અને ૮મી ઓગસ્ટ સુધી તેઓને સાચવવાની કપરી જવાબદારી આવી પડી છે.