અમરેલી,તા.૨૪
અમરેલી જિલ્લાના દામનગર ખાતે પોલીસ કોન્સ્ટેબલના બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા પાંચ કોન્સ્ટેબલોને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દારૂની મહેફિલ માણતા પોલીસ કોન્સ્ટેબલો સાથે બે અન્ય માણસો પણ મહેફિલમાં સામેલ હોઈ જેથી ૫ પોલીસ કર્મચારી અને ૨ અન્ય માણસો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના પોલીસ હેડ ક્વાર્ટરમાં નોકરી કરતા પરાક્રમસિંહ ઘેલુભા ગોહિલનો ગઈકાલ ૨૩ જુલાઈના દિવસે જન્મ દિવસ હોઈ જેથી પરાક્રમસિંહના સાથી પોલીસ કર્મચારીઓ જે હેડક્વાર્ટરમાંજ નોકરી કરતા હોઈ તે પો.કો દિગ્વિજયસિંહ સહદેવસિંહ સરવૈયા, પો.કો રમેશભાઈ ધીરૂભાઈ કોતર અને દામનગર પોલીસમાં સ્ટેશનમાં નોકરી કરતા પો.કો.સંજયભાઈ રમેશભાઈ ચૌહાણ તથા રાજુભાઈ કથુભાઈ વરૂ અને દામનગરના બે નાગરિક સુખુભા ગોહિલ અને કિશાન નામના શખ્સો સહિત સાત જણા પરાક્રમસિંહ ગોહિલના દામનગર ખાતે આવેલ ભાડાના મકાનમાં જન્મ દિવસની ઉજવણી દારૂની મહેફિલ કરી માણી રહ્યા હતા.
આ અંગેની બાતમી કોઈએ જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયને આપતા જિલ્લા પોલીસ વડા રાય પોતેજ અમરેલીથી રેડ પાડવા નીકળી ગયા હતા પરંતુ એસપી ત્યાં પહોંચતા પાર્ટી વિખેરાઈ ગઈ હતી અને પાર્ટીના એક હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ કથુભાઈ વરૂ ઝડપાઇ ગયેલ અને તેની અંગ ઝડતી કરતા તેની પાસેના થેલામાંથી મેજીક મોમેન્ટો પ્યોર ગ્રીન દારૂની બોટલ ૧૦૦ મિલી મળી આવેલ જેથી તેની ધરપકડ કરી હતી અને બાકીના ૪ પોલીસ કર્મી અને બે દામનગરના નાગરિક નાસી ગયેલ હતા. દારૂની મહેફિલ માળી રહેલ ચાર પોલીસ કર્મીમાં એક જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયના બંગલે નોકરી કરતો પહેરેદાર પણ હતો આ અંગે દામનગર પોલીસ મથકમાં ૫ પોલીસ કર્મી ને બે અન્ય નાગરિક સહિત ૭ સામે પ્રોહી એક્ટ ૬૫(એ)ઈ ૬૮ અને ૮૧ મુજબ ગુનો નોંધી વધુ તપાસ સીપીઆઇ આર.વી રબારી એ ચલાવેલ છે.