National

રાફેલ સોદો : ‘આપ’ દ્વારા રક્ષામંત્રી સીતારમણને નોટિસ મોકલાઈ, કોર્ટમાં જવાની ધમકી

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
રાફેલ વિમાન સોદામાં ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાન્દેના સનસનીભર્યા ખુલાસા બાદ ભારતમાં રાજકીય ઘમાસાણ ચાલુ છે. વિપક્ષો લગાતાર વડાપ્રધાન મોદી પર આ મુદ્દે પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આ મુદ્દે જેપીસી તપાસની માંગ કરી છે. તેમનું માનવું છે કે, આ સ્પષ્ટરૂપે ભ્રષ્ટાચારનો કેસ છે.
દરમિયાન આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે રાફેલ સોદાને મહા ગોટાળો બતાવી આ સોદાને રદ કરવાની માગણી કરી છે. તેમાં જોવા મળેલ અનિયમિતતા અંગે રક્ષામંત્રી નિર્મલા સીતારમણને કાનૂની નોટિસ મોકલાવાઈ છે. સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ નોટિસમાં સંજયસિંહે નિર્મલા સીતારમણને ચેતવણી આપી હતી કે, તેમની માંગો અંગે ત્રણ દિવસમાં નિર્ણય નહીં કરાય તો તેઓ અદાલતનો દરવાજો ખટખટાવશે.
રક્ષામંત્રીને ૧૧ પાનાની નોટિસ મોકલાવાઈ છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, રાફેલ સોદામાં મૂલ્ય નિર્ધારણ અને રણનીતિ ભાગીદારીના રૂપમાં બિલકુલ અનુભવહીન, અવિશ્વસનીય ખાનગી કંપનીને ભાગીદાર તરીકે સામેલ કરવા તમારી ગુપ્ત કાર્યવાહીના કારણે નોટિસ મોકલવા હું મજબૂર બન્યો છું. કારણ કે તે રાષ્ટ્રીય સુરક્ષા માટે નુકસાનદેહ છે. નોટિસ કેન્દ્રીય સતર્કતા આયોગ અને રક્ષામંત્રીને મોકલાઈ છે. જેમાં કહેવાયું છે કે, રક્ષામંત્રાલયનું વલણ અને બહાર પાડેલા નિવેદનો વિરોધાભાસી છે. રાફેલ સોદો ૩૬ હજાર કરોડનો એક મહા ગોટાળો છે. રિલાયન્સનું નામ ભારત સરકારે સૂચવ્યું હોવાના પૂર્વ ફ્રાન્સના રાષ્ટ્રપતિના દાવા બાદ રાફેલ મુદ્દા પર આરોપ-પ્રતિ આરોપે વેગ પકડ્યો છે. ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિના નિવેદનથી વિપક્ષોને બળ મળ્યું.
વડાપ્રધાન મોદીએ ૧૦ એપ્રિલ, ર૦૧પમાં પેરિસમાં ફ્રાન્સના તત્કાલિન રાષ્ટ્રપતિ ઓલાન્દ સાથે વાતચીત બાદ રાફેલ સોદાની જાહેરાત કરી હતી. કોંગ્રેસનો આરોપ છે કે, સરકાર આ સોદાના માધ્યમથી રિલાયન્સ ડિફેન્સને ફાયદો પહોંચાડી રહી છે. રિલાયન્સ ડિફેન્સે સોદાની ઓફસેટ જરૂરિયાતો પૂરી કરવા દસાલ્ટ એવિએશન સાથે સંયુક્ત ઉપક્રમ સ્થાપિત કર્યું છે. કોંગ્રેસનો આરોપ છે કે, ૧૦ એપ્રિલ, ર૦૧પના રોજ રાફેલ કરારની જાહેરાતના ૧ર દિવસ પહેલાં જ રિલાયન્સ ડિફેન્સ બનાવાઈ હતી. રિલાયન્સ ગ્રુપે આરોપોને નકાર્યા છે.