(એજન્સી) ગાઝિયાબાદ,તા. ૨૪
હિન્દુ મહિલા સાથે લગ્ન કરવા માટે ગાઝિયાબાદ કોર્ટમાં ગયેલા ૨૫ વર્ષીય મુસ્લિમને એક ટોળા દ્વારા સોમવારે બપોરે માર મારવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. નોઇડાની એક કંપનીમાં નોકરી કરતો સાહિલ પ્રીતિસિંહ નામની મહિલા સાથે તેના લગ્ન રજિસ્ટર કરાવવા માટે કોર્ટમાં ગયો હતો ત્યારે સાહિલ પર એક હિંસક ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું સિહાની ગેટ પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) સંજય પાંડેએ જણાવ્યું છે. ગાઝિયાબાદ કોર્ટમાં પોલીસવાળાઓએ સાહિલને હુમલાખોરોથી બચાવ્યો હતો. પાંડેએ જણાવ્યું કે સાહિલ પર હુમલાના સંદર્ભમાં અમે બે પુરૂષો – વિનોદ અને નવનીત તેમ જ અજ્ઞાત અન્ય ઘણા લોકો સામે એક એફઆઇઆર નોંધી લીધી છે. સાહિલ પર હુમલા અંગે અત્યાર સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી. કોર્ટમાં કરાયેલા હુમલામાં ભોપાલનો વતની સાહિલ ઘવાયો છે જ્યારે ઉત્તર પ્રદેશના બિજનોરની નિવાસી મહિલાને કોઇ ઇજા થઇ નથી.