ક્રિકેટ મેચમાં સટ્ટા બેટિંગની સલાહ આપતા ગ્રુપ સોશિયલ મીડિયામાં કરે છે ‘જમકે બેટિંગ’

(ફિરોઝ મનસુરી)
અમદાવાદ, તા.૮
જુગાર અને સટ્ટા બેટિંગ ઉપર પોલીસે લાલઆંખ કરતા હવે જુગારિયાઓ પણ ટેકનોસેવી બની ગયા છે. પોલીસની નજરથી બચવા હવે ઓનલાઈન જુગાર તો રમાય છે. પરંતુ હવે તો ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેટિંગ કરવાની સલાહ પણ ઓનલાઈન મળે છે. આવા અનેક ગ્રુપ સોશિયલ મીડિયામાં બન્યા છે. જેમાં ક્રિકેટ મેચમાં કઈ ટીમ કેટલા રન બનાવશે સહિતની આગાહીઓ બતાવીને ગ્રુપના મેમ્બરો કઈ ટીમ ઉપર પૈસા લગાવશે તો તેમને વધુ નાણાં મળશે તેની સલાહ આપવામાં આવી રહી છે ત્યારે ડિજિટલ ઈન્ડિયાની વાતો વચ્ચે હવે જુગારિયાઓ અને સટ્ટોડિયાઓ ટેકનોસેવી થઈ ગયા છે. પરંતુ આપણું પોલીસતંત્ર જોઈએ તેટલું ટેકનોલોજીથી સજજ થયું નથી. ત્યારે આવા સોશિયલ મીડિયાના ગ્રુપ ઉપર પોલીસ લગામ કસશે ખરી ??
આજકાલ જુગારિયાઓ અને સટ્ટોડિયાઓ પોલીસથી બચવા નીતનવા પેંતરા અજમાવીને જુગાર રમતા હોય છે ત્યારે હવે જુગારિયાઓ પણ ઓનલાઈન થઈ ગયા છે. અમદાવાદમાં જ હવે જુગારિયાઓને ક્રિકેટ મેચ ઉપર સટ્ટો લગાવવા માટે મફતમાં ટિપ્સ આપતાં ગ્રુપ શરૂ થયા છે. જો કે જાણીતી સોશિયલ મીડિયા વોટ્‌સએપ, ફેસબુક ઉપર પોલીસની નજર વધારે હોય છે ત્યારે હવે જુગારિયાઓ ઓછી જાણીતી સોશિયલ સાઈટો તરફ વળ્યા છે. જેમાં ટેલિગ્રામ નામની સોશિયલ સાઈટ ઉપર તા.ર૧ જૂનથી જ એક ગ્રુપ શરૂ થયું છે. જેમાં ક્રિકેટ મેચમાં કઈ ટીમ ઉપર કેટલી રકમ લગાવવી અને કેટલો નફો કે નુકસાન થશે સહિતની મફતમાં સલાહ આપવામાં આવે છે. જો કે ૧પ દિવસમાં જ આ ગ્રુપમાં ર૯૦૦ જેટલા મેમ્બરો બની ગયા છે. જેઓ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો લગાવવાની ટિપ્સ મેળવી રહ્યા છે. આ ગ્રુપમાં ૧૦ હજાર મેમ્બરો બનાવવાનો ટાર્ગેટ છે ત્યારે આ ગ્રુપમાં જોડાવા માટે લોકોને વોટ્‌સએપમાં મફત ટિપ્સ મેળવવા ગ્રુપની લીંક મોકલવામાં આવી રહી છે. જેમાં આ ગ્રુપના મેમ્બરોની માહિતી ગુપ્ત રાખવાની બાંહેધરી આપવામાં આવે છે. આ તો થઈ એક જ ગ્રુપની વાત આવા તો અનેક ગ્રુપો સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે સાયબર ક્રાઈમ પોલીસ આળસ ખંખેરીને સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈને આવા ઓનલાઈન જુગાર રમાડતા અને રમતા લોકોને ઝડપી પાડી ઓનલાઈન જુગારનો પર્દાફાશ કરશે ખરી??
ક્રિકેટ બેટિંગના ગ્રુપની વોટ્‌સએપમાં માર્કેટિંગ
ક્રિકેટ મેચમાં સટ્ટાબેટિંગની સલાહ આપતું ઈગલ નામનું ગ્રુપ ટેલિગ્રામ સાઈટ ઉપર તા.ર૧ જૂનથી શરૂ થયું છે. પરંતુ આ ગ્રુપની માર્કેટિંગ વોટ્‌સએપમાં કરવામાં આવી રહી છે. જેમાં આ ગ્રુપમાં જોડાવા માટેની લીંક અને ગ્રુપમાં જોડાવાની તેમની માહિતી ગુપ્ત રાખવાની પણ બાંહેધરી આપવામાં આવે છે.

અમે તપાસ શરૂ કરી છે : એસીપી રાણા
આ ગ્રુપ અંગે અમદાવાદ પીસીબીના એસીપી એમ.કે. રાણાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ ઓનલાઈન જુગાર અને તેની સલાહ આપતા ગ્રુપ સોશિયલ મીડિયામાં શરૂ થયા હોવાની વિગત મળી છે. આ મામલે અમે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts