(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૭
રહસ્યમય રીતે લાપતા બની રહસ્યમય રીતે મળી આવેલા વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા શાહીબાગની ચંદ્રમણી હોસ્પિટલમાં દાખલ થયા બાદ આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તોગડિયાએ આ તબક્કે પત્રકારો સાથેની વાતચીતમાં ક્રાઈમ બ્રાંચ ઉપર ખુલ્લા આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાંચ દિલ્હીના પોલિટિકલ બોસના ઈશારે મને અને મારા કાર્યકરોને હેરાન કરી રહ્યા છે. ક્રાઈમ બ્રાંચના જેસીપી જે.કે. ભટ્ટે છેલ્લા ૧પ દિવસમાં વડાપ્રધાન સાથે કેટલીકવાર વાત કરી તેની વિગતો જાહેર કરવામાં આવે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચને કોન્સ્પિરસી બ્રાંચ (કાવતરૂં) ગણાવતા તોગડિયાએ દાવો કર્યો હતો કે, જો મારી સામે રાજસ્થાનમાં કેસ નોંધાયેલો હોય તો પછી અમદાવાદની ક્રાઈમ બ્રાંચ કોના ઈશારે મારી સામે લડી રહી છે? હું જેમના ઘરે ગયો હતો તેમને રાત્રે બે વાગ્યે ઉઠાડીને ક્રાઈમ બ્રાંચના ૨૦ લોકોએ તેમનું ત્રણ કલાક ટોર્ચર કરીને મારી વિરૂદ્ધ નિવેદન આપવા દબાણ કર્યું હતું. મારા સમર્થકોને પણ મારી વિરૂદ્ધ બોલવા દબાણ કરાઈ રહ્યું છે. ક્રાઈમ બ્રાંચના જેસીપી જે.કે. ભટ્ટ પર સીધો આક્ષેપ કરતા તોગડિયાએ કહ્યું હતું કે, જે.કે. ભટ્ટ દિલ્હીના પોલિટિકલ બોસના ઈશારે મને અને મારા કાર્યકરોને હેરાન કરી રહ્યા છે. મેં મારા વકીલોને પણ બોલાવ્યા છે, અને હું ક્રાઈમ બ્રાંચ સામે કાયદાકીય પગલાં ભરવા જઈ રહ્યો છું.
તોગડિયાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, આ જ ક્રાઈમ બ્રાંચ દેશના લોકોને સિલેક્ટિવ વીડિયો બતાવી રહી છે. ૨૦૦૫માં સંજય જોશીનો નકલી વીડિયો આ જ ક્રાઈમ બ્રાંચમાં બન્યો હતો. આ જ ઈતિહાસનું પુનરાવર્તન મને બદનામ કરવા થઈ રહ્યું છે. સંજય જોશીનો નકલી વીડિયો બનાવનારા કોણ છે તે હું જાણું છું અને સમય આવ્યે તેમનું નામ પણ જાહેર કરીશ. જે.કે. ભટ્ટ પર અન્ય એક આરોપ મૂકતા તોગડિયાએ કહ્યું હતું કે, ભટ્ટે જ દિવાળીના દિવસે વીએચપીના પ્રદેશ મંત્રી અશ્વિન પટેલની મુખ્યમંત્રીના ઈશારે ખોટી ધરપકડ કરી હતી. આજે એ જ જે.કે. ભટ્ટ પ્રવીણ તોગડિયાની ઈજ્જત પર હાથ નાખી રહ્યા છે. માટે જ હું કહી રહ્યો છું કે પીએમ સાથે તેમના ફોનની ડિટેલ્સ જાહેર કરો. તેમણે જણાવ્યું હતું કે, મને જણાવાયું છે કે, રાજસ્થાનમાં મારી સામે થયેલો કેસ ૨૦૧૫માં જ પડતો મૂકાયો હતો અને તેના પર એસડીએમે સહી પણ કરી દીધી છે. જો કેસ પડતો મૂકાયો હોય તો આટલી મોટી સંખ્યામાં પોલીસ કાફલો મારી ધરપકડ કરવા કેમ નીકળ્યો હતો ?