(એજન્સી) નવી દિલ્હી, તા.૨
પેટ્રોલ-ડીઝલના ભાવમાં આંશિક રાહત મળ્યા બાદ ફરી એકવાર ભાવમાં વધારો થશે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પેટ્રોલ-ડીઝલની કિંમત વધી છે. વૈશ્વિક માર્કેટમાં છેલ્લા ૬ દિવસમાં ક્રૂડ ઓઈલના ભાવમાં પ્રતિ બેરલ ૩ ડોલરનો વધારો થયો છે, છતાં રાજ્યોના હસ્તગતની ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો નહોતો. ૨૧ જૂનથી ક્રૂડ ઓઈલની કિંમત ૬ ડોલર વધીને ૭૯.૫ ડોલર પ્રતિ બેરલ પહોંચી છે. અને કારણ છે અમેરિકાએ ઈરાન પર મૂકેલો પ્રતિબંધ, જેના કારણે માર્કેટમાં ઓઈલ સપ્લાય ઘટવાની ટ્રેડર્સની ભીતિ છે. વધતી માગને પહોંચી વળવા તેલ ઉત્પાદિત કરતા મુખ્ય દેશોના માલ ઉત્પાદક સંઘોએ પ્રતિદિન દસ લાખ બેરલ ઉત્પાદન વધારવાનું નક્કી કર્યું છે. આ નિર્ણય પણ ક્રૂડ ઓઈલની કિંમત વધવા પાછળ જવાબદાર છે.
ક્રૂડ ઓઈલના ભાવ આ વર્ષે આકાશને આંબ્યા છે. મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની માગ, સાઉદી અરેબિયા અને રશિયા જેવા મુખ્ય ઉત્પાદક દેશોએ કૃત્રિમ સપ્લાય પર મૂકેલો પ્રતિબંધ અને વેનેઝુએલાના ઉત્પાદનમાં ધરખમ ઘટડો ભાવ વધવા માટે મુખ્ય જવાબદાર કારણો છે. નબળો રુપિયો અને વધતી તેલની કિંમતોએ ભારતીય અર્થતંત્રની સાથે ગ્રાહકોને પણ નુકસાન પહોંચાડ્યું છે. ગયા અઠવાડિયે રુપિયાની કિંમત પ્રતિ ડોલર ૬૯ રુપિયા રહી. ભારતનું આયાત બિલ દ્ભચે જશે કારણકે જરુરિયાતનું ૮૩ ટકા ક્રૂડ ઓઈલ ભારત આયાત કરે છે. ૨૬ જૂનથી દિલ્હીમાં પેટ્રોલના ભાવ સતત ૭૫.૫૫ રુપિયા અને ડીઝલના ભાવ ૬૭.૩૮ રુપિયા પ્રતિ લિટર રહ્યા છે. તે જ રીતે મુંબઈમાં ૮૨.૮૪ રુપિયે લિટર પેટ્રોલ અને ડીઝલ ૭૧.૪૯ રુપિયે લિટર છે. રાજ્યની ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઈંધણના ભાવમાં થતી વધઘટ અને રુપિયાના ભાવને ધ્યાને રાખીને પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરે છે.