(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧
રાજ્યસભાના સાંસદની આગામી ૮ ઓગસ્ટના રોજ યોજાનારી ચૂંટણી અગાઉ કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલને હરાવવા ભાજપ દ્વારા તમામ યુકિત પ્રપંચ અને સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવાઈ રહી છે. છ ધારાસભ્યોને ફોડયા બાદ હજુ વધુ ધારાસભ્યોને ફોડવાના પ્રયત્નો સફળ ન લાગતા ભાજપે હવે ‘નોટા’ અને વ્હીપના નામે ગેરસમજ ઉભી કરવાનો પ્રયત્ન શરૂ કર્યા છે. ત્યારે વ્હીપ અને નોટા શું છે તે સમજવું જરૂરી છે. વ્હીપ એટલે જે તે પક્ષ દ્વારા પોતાના પક્ષના ધારાસભાને અપાયેલો એક લીટીનો આદેશ આપી જે ધારાસભ્યને કે પક્ષના સભ્યને વ્હીપ અપાય એટલે તે સભ્ય વ્હીપને માનવા બંધાયેલો છે. જો તેઓ વ્હીપનો અનાદર કરે તો તેઓ પક્ષાંતર ધારા મુજબ છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ થઈ શકે છે. આથી છ વર્ષ માટે તે કોઈપણ ચૂંટણી લડી શકે નહીં. જયારે નોટા એટલે નન ઓફ ધ એબોવ ઉપરમાંથી એકે નહી કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા રાજયસભાની ચૂંટણીમાં પ્રથમવાર નોટાનો ઉપયોગ કરવાનો આદેશ જારી કરાયો છે. આના પરથી સામાન્ય વાંચક પણ સમજી શકે કે નોટાનો ઉપયોગ કરાય તો ક્રોસ વોટિંગ કરવા ગભરાટ અનુભવતા ધારાસભ્યો નોટાનો ઉપયોગ કરી બચી જાય અને ક્રોસ વોટિંગ કરવાનું કલંક તેમના માથે ન લાગે જયારે નોટાના ઉપયોગથી કોંગ્રેસના ઉમેદવારને ઓછા મત મળે તો પરાજયની નજીક પહોંચી શકે તેવી શકયતા છે. આ અંગે ભાજપ સરકારના સંસદીય મંત્રી પ્રદીપસિંહ જાડેજા વ્હીપના અનાદર બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કરી શકાય તેવા કોઈપણ નિયમનો ઈન્કાર કરે છે. જો કે કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે વ્હીપનો અનાદર કરે તે સભ્ય પક્ષમાંથી સસ્પેન્ડ થાય તે મુજબ જ નોટાના ઉપયોગ બદલ પણ વ્હીપનો અનાદર જ મનાશે. વ્હીપમાં ચોખ્ખું જણાવાયું છે કે કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ મતદાન કરવા હાજર રહેવું અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અહમદભાઈ પટેલની તરફેણમાં એકડો (૧) કરીને મત આપવાનો આ જ આદેશ વ્હીપ છે એનો અમલ કરવો દરેકે ફરજિયાત છે. તો આથી ક્રોસ વોટિંગ કે નોટાનો ઉપયોગ વ્હીપનો અનાદર જ ગણાશે.